પૃષ્ઠ:Rasdhar4.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



હોથલ

[પ્રેમશૌર્યની કોઈ વિરલ પ્રતિમાસમી, સ્ત્રીત્વ અને પુરુષત્વની સંગમત્રિવેણીસમી ને જગતમાં કોઈ મહાકાવ્યને શોભાવે તેવી આ હોથલ પદ્મણી છૂટાછવાયા લેખમાં કે નાટકોમાં આલેખાઈ ગયાં છતાં એની કંઈક સબળ રેખાઓ અણદોરી રહી છે. હોથલનું એ વીસરાતું વીરાંગના પદ પુનર્જીવન માગે છે, નાટકીય શૈલીએ નહિ, પણ શુદ્ધ સોરઠી ભાષાલેખન દ્વારા. વળી, એ પ્રેમવીરત્વની ગાથાના સંખ્યાબંધ દોહાઓ પણ સાંપડ્યા છે. એનો પરિચય પણ જીવતો કરવાને ઉદ્દેશ છે. દુહાઓ મિશ્ર સોરઠી-કચ્છી વાણીના છે.]


કચ્છની ઠકરાત કિયોર કકડાણાને પાદર ત્રંબાળુ ઢોલ ધડૂકે છે. મીઠી જીભની શરણાઈઓ ગુંજી રહી છે. નોબત ગડેડે છે. માળિયે બેઠેલી ઠકરાણી પોતાની દાસીને પૂછે છે : “છોકરી, આ વાજાં શેના?”

“બાઈ જાણતાં નથી? બસો અસવારે ઓઢો જામ આજ આઠ મહિને ઘેર આવે છે. એની વધાઈનાં આ વાજાં. ઓઢો ભા — તમારા દેવર.”

“એમાં આટલો બધો ઉછરંગ છે?”

“બાઈ ઓઢો તો કિયોર કકડાણાનો આતમરામ. ઓઢો તો શંકરનો ગણ કહેવાય. એની નાડી ધોયે આડાં ભાંગે. અને રૂપ તે જાણે અનિરુદ્ધનાં.”

“કયાંથી નીકળશે ?”

“આખી અસવારી આપણા મો’લ નીચેથી નીકળશે.”

“મને એમાંથી ઓઢો દેખાડજે.”

૧૫