પૃષ્ઠ:Rasdhar4.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 


હૈડાં હલબલિયા

અસવારી વાજતેગાજતે હાલી આવે છે. ડેલીએ ડેલીએ કિયોર કકડાણાની બે’ન-દીકરીઓ કંકુ-ચોખા છાંટીને ઓઢા જામનાં ઓવારણાં લે છે અને સોળ શણગાર સજીને ગોખમાં બેઠેલી જુવાન મીણલદે આઘેથી કેસરીસિંહ જેવી નિર્મળ આંખલડીઓવાળા દેવને ભાળી ભાળીને શી ગતિ ભોગવી રહી છે !

ઓઢે બગતર ભીડિયાં, સોનાજી કડિયાં,
મીનળદે કે માયલાં, હૈડાં હલબલિયાં.

હેમની કડીઓ ભીડેલ બખતરમાં શોભતો જુવાન જોદ્ધો ભાળીને ભોજાઈનાં હૈયાં હલી ગયાં.

‘વાહ ઓઢો ! વાહ ઓઢો ! વાહ ઓઢો !” એવાં વેણ એનાથી બોલાઈ ગયાં. સામૈયું ગઢમાં ગયું.

પ્રભાતને પહોરે જદુવંશી જાડેજાઓને દાયરો જામ્યો છે. સેંથા પાડેલી કાળી કાળી દાઢીઓ જાડેજાઓને મોઢે શોભી રહી છે. કસૂંબાની છાકમછોળ ઊડી રહી છે. ઓઢો જામ પોતાની મુસાફરીનાં વર્ણન કરે છે. દેશદેશના નવા સમાચાર કહેવા-સાંભળવામાં ભાઈ ગરકાવ છે. પોતાનાં શૂરાતનની વાતો વર્ણવતાં ઓઢાની જુવાની એના મુખની ચામડી ઉપર ચૂમકીઓ લઈ રહી છે ત્યાં તો બાનડી આવી :

“બાપુ, ઓઢા જામને મારાં બાઈ સંભારે છે.”

“હા હા, ઓઢા, બાપ, જઈ આવ. તું ને તારી નવી ભોજાઈ તો હજુ મળ્યાંયે નથી.” એમ કહીને બુઢ્ઢા જામ હોથીએ ઓઢાને મીણલદેને ઓરડે મોકલ્યો.

વાળે વાળે મોતી ઠાંસીને મીણલદે વાટ જુએ છે. આંખમાં કાજળ ચળકારા કરે છે. કાને, કંઠે, ભુજા ઉપર અને કાંડે આભરણ હીંડોળે છે. મોટા મહિપતિને મારવા જાણે કામદેવે સેના સજી છે.