પૃષ્ઠ:Rasdhar4.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

ભાભી બોલી : મને અઢાર જ વર્ષ થયાં છે. નજર તો કર, મારું હૈયું હાકલ્યું રહેતું નથી.

 

ગા ગોરાણી ગોતરજ, ભાયાહંદી ભજ,
એતાં વાનાં તજિજએ, ખાધામાંય અખજ.

ઓઢે કહ્યું : એક તો ગાય, બીજી ગોરાણી, ત્રીજી સગોત્રી અને ચોથી ભાઈની સ્ત્રી, એ ચારે અખાજ કહેવાય.

ઓઢો પાછો વળ્યો. અગ્નિની ઝાળ જેવી ભોજાઈ આડી ફરી. બાહુ પહોળા કર્યા. ઓઢાએ હાથ જોડીને કહ્યું કે —

 

ન હુવે રે ન થિયે, ન કઢ એડી ગાલ,
કચો લાગે કુલકે, કેડો મેડિયાં માલ.

એ ભાભી, એ ન બને, એ વાત છોડી દે. કુળને ખોટ બેસે.

“ઓઢા, ઓઢા, રહેવા દે, માની જા નીકર —

 

ઉઢા થીને દુઃખિયો, ઝંઝો થીને દૂર,
છંડાઈસ કેરોકકડો, વેંદો પાણી જે પૂર.

દુઃખી થઈ જઈશ. કેરાકકડાના સીમાડા છાંડવા પડશે. પાણીના પૂરમાં લાકડું તણાય એમ બદનામ થઈ નીકળવું પડશે.

બોલ્યા વગર એ ચાલી નીકળ્યો. મીણલદે ભોંઠી પડીને થંભી ગઈ.


દેશવટો

“અરે રાણી ! આ મો’લમાં દીવા કાં ન મળે? આ ઘર અંધારું કેમ? તમે ટૂટમૂટ ખાટલીમાં શીદ પડ્યાં? ને આ લૂગડાં ચિરાયેલાં કેમ ?”

આંસુડાં પાડીને રાણી બોલી : “તમારા ભાઈનાં પરાક્રમ !”

“મારો લખમણ જતિ ! મારો ઓઢો?”

“ઠાકોર, મને અફીણ મગાવી આપો. ઘોળીને પી જાઉં. તમારા લખમણ જતિને જાળવજો, ખુશીથી. તમારા રાજમહેલમાં રજપૂતાણી નહિ રહી શકે.”