પૃષ્ઠ:Rasdhar4.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હોથલ
૧૯
 

બુઢ્ઢો હોથી સ્ત્રીચરિત્રને વશ થઈ ગયો. સવાર પડ્યું ત્યાં કાળો જાંબુમોર ઘોડો અને કાળો પોશાક ઓઢાની ડેલીએ હાજર છે.

દેશવટાની તૈયારી કરતા ઓઢાને મીણલદેએ ફરી વાર કહેવરાવ્યું :

 

માને મુંજા વેણ, (તો) વે’તા લદા વારિયાં,
થિયે અસાંજા સેણ, તો તજ મથ્થે ઘોરિયાં.

હજુ મારાં વેણ માન, તો તારા વહેતા ઉચાળાને પાછા વાળું. જો મારો પ્રિયતમ થા, તો તારા માથે હું ઘોળી જાઉં.

 

મિયા ભરીને માલ, ઓઢે ઉચારા ભર્યા,
ખીરા તોં જુવાર, સો સો સલામું સજણાં.

ઊંટને માથે પોતાની ઘરવખરી નાખી કાળો પોશાક પહેરી, કાળે ઘોડે સવાર થઈ પોતાના બસો અસવારને લઈને ઓઢો દેશવટે ચાલી નીકળ્યો અને કિયોર કકડાણાના ખીરા નામના ડુંગરની વિદાય લેતાં ઓઢાએ ઉચ્ચાર કર્યો કે, હે ભાઈ ખીરા, હે મારા સ્વજન, તને આજ સો સો સલામ કરું છું.

 

ખીરા, તોં જુવાર, સો સો સલામું સપરી,
તું નવલખો હાર, ઓઢાને વિસરિયો.

વીસલદેવને ઘેર

પોતાના મશિયાઈ વીસલદેવ વાઘેલાની રાજધાની પીરાણા પાટણ(ધોળકા)ની અંદર આવીને ઓઢે આશરો લીધો છે. એક દિવસ બન્ને ભાઈઓ ખાવા બેઠા છે. ભોજનની થાળી આવી એટલે બટકું ભાંગીને વીસલદેવે નિસાસો મેલ્યો.

 

ખાવા બેઠો ખેણ, વીસળે નિસાસે વયો,
વડો મથ્થે વેણ, બિયો બાંભણિયા તણો.

“અરે હે ભાઈ વીસલદેવ ! અન્નદેવતાને માથે બેસીને ઊંડો નિસાસો કાં નાખ્યો ? એવડાં બધાં તે શાં ગુપ્ત દુઃખ છે તારે, બેલી ?” ઓઢાએ ભાઈને પૂછ્યું.