પૃષ્ઠ:Rasdhar4.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હોથલ
૨૩
 


અજાણ્યા પરદેશીનાં એક પછી એક શૂરાતન જોઈ જોઈને ઓઢાને લોહી ચડતું જાય છે. પોતાનો નાનેરો ભાઈ પરાક્રમ દાખવતો હોય તેમ એ ઓછો ઓછો થઈ રહ્યો છે. ઓઢો ઊઠ્યો. બાવડું ઝાલીને અસવારને ઘોડેથી ઉતારી લીધો. ઘોડાના ઘાસિયા પાથર્યા હતા, તેની ઉપર બેસાડીને પ્રેમભીની નજરે ઓઢાએ પૂછ્યું :

ઓઢો મુખથી આખવે, જાણાં તોજી જાત,
નામ તો હોથી નગામરો, સાંગણ મુંજો તાત.

“બેલીડા! તમારું નામ, ઠામ, ઠેકાણું તો કહો.”

“મારું નામ હોથી નગામરો. સાંગણ નગામરો મારો બાપ થાય. મારું હુલામણું નામ એકલમલ્લ.”

“એકલમલ્લ !” નામ લેતાં તો ઓઢાનાં ગલોફાં જાણે ભરાઈ ગયાં. “મીઠું નામ ! ભારી મીઠું નામ! શોભીતું નામ !”

“અને તમારું નામ, બેલી ?” એકલમલ્લે પૂછ્યું.

“મને ઓઢો જામ કહે છે.”

“આ હા હા હા ! ઓઢો જામ તમે પોતે? ઓઢો કિયોરનો કહેવાય છે એ પંડે? ભાભીએ દેશવટો દેવાર્યો એ કચ્છમાં અમે જાણ્યું હતું. પણ કારણ શું બન્યું’તું, ઓઢા જામ?”

“કાંઈ નહિ, બેલી ! એ વાત કહેવરાવો મા. હોય, માટીનાં માનવી છીએ, ભૂલ્યાં હશું.”

“ના, ના, ઓઢા જામ ! હનુમાનજતિ જેવો ઓઢો એવું ગોથું ખાય નહિ. કચ્છનો તો પાપીમાં પાપી માણસ પણ એવું માને નહિ.”

“બેલી ! આપણે પરદેશી પંખીડાં કહેવાઈએ. કરમસંજોગે ભેળા મળ્યા. હજી તો આંખોની જ ઓળખાણ કહેવાય. બે ઘડીની લેણાદેણી લૂંટી લઈએ, જુદાઈની ઘડી માથે ઊભી છે.