પૃષ્ઠ:Rasdhar4.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

ઘાણીનો ઝાંપો તોડું અને તમે સાંઢ્યો હાંકીને ભાગો, કાં તો તમે ઝાંપો તોડો તો હું સાંઢ્યો લઈ જાઉં.’

“એકલમલ, તમે ઝાંપો તોડો, અમે સાંઢો બહાર કાઢશું.”

રજપૂતોએ એકબીજાની સામે આંખના મિચકારા કરીને જવાબ દીધો.

એકલમલ્લ હાલ્યો. ઝાંપાની નીચે જગ્યા હતી. હેઠળ પેસીને એકલમલ્લે પોતાની પીઠ ભરાવી, ધીરે ધીરે જોર કર્યું. ઝાડના થડનો તોતિંગ ઝાંપો ધરતીમાંથી ઊંચકાવી નાખીને આઘે ફગાવી દીધો.

રજપૂતો દોડ્યા સાંઢ્યો કાઢવા, પણ સાંઢ્યો નીકળતી નથી. ગલોફાં ફુલાવીને ગાંગરતી ગાંગરતી સાંઢ્યો આડીઅવળી દોડે છે. રજપૂતોનાં માથાને બટકાં ભરવા ડાચાં ફાડે છે. એકલમલ્લ ઊભો ઊભો રજપૂતોનું પાણી માપે છે.

ત્યાં ચોકીદાર જાગ્યા. હાકલા-પડકારા ગાજી ઊઠ્યા. બાંભણિયાના ગઢમાં બૂમ પડી કે, ‘ચોર ! સાંઢ્યુંના ચોર !’ નગારાને માથે ધોંસા પડ્યા. અને રજપૂતોએ કાયર થઈને કરગરવા માંડ્યુંઃ “એકલમલ્લભાઈ, હવે અમારી આબરૂ તારા હાથમાં. . .”

“બસ, દરબારો! શૂરાતન વાપરી લીધું? સાંઢ્યો લેવા આવતાં પહેલાં ઈલમ તો જાણવો’તો” — એમ કહીને એકલમલ્લે ભાથામાંથી તીર તાર્યું. એક સાંઢ્યના ડેબામાં પરોવી દીધું. લોહીની ધાર થઈ તેમાં પોતાની પછેડી લઈને ભીંજાવી. ભાલા ઉપર લોહિયાળી પછેડી ચઢાવી એક સાંઢ્યને સુંઘાડી અને પછેડી ફરફરાવતો પોતે બહાર ભાગ્યો.

લોહીની ગંધે ગંધે સાતે વીસ સાંઢ્યોએ દોટ દીધી. મોખરે લોહિયાળા લૂગડાને ભાલા ઉપર ફરકાવતો એકલમલ્લ