પૃષ્ઠ:Rasdhar4.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હોથલ
૨૭
 

દોડ્યો જાય છે અને વાંસે એક સો ને ચાલીસ સાંઢ્યો ગાંગરતી આવે છે.

“વાહ એકલમલ્લ ! વાહ એકલમલ્લ ! વાહ બેલીડા !” એમ ઓઢો ભલકારા દેતો આવે છે.

ત્યાં તો સૂરજ ઊગ્યો. વાંસે જુએ છે તો દેકારા બોલતા આવે છે. ધરતી ધણેણી રહી છે. આભમાં ડમરી ચડી હોય તેમ બાંભણિયાની વહાર વહી આવે છે. એકલમલ્લ બોલ્યો :

“રજપૂતો ! કાં તો તમે સાંઢોને લઈ ભાગી છૂટો, ને કાં આ વારને રોકો.”

રજપૂતો કહે, “ભાઈ ! તમે વારને રોકો. અમે સાંઢ્યોને લઈ જઈને સરખા ભાગ પાડી રાખીશું !”

એકલમલ્લના હાથમાંથી લોહિયાળા લૂગડાનો નેજો લઈ રજપૂતે હાલી નીકળ્યા. પાળેલી ગાયોની પેઠે સાતે વીસ સાંઢ્યો વાંસે દોડી આવે છે. પોતાના લોહીની ઘ્રાણ એને એવી મીઠી લાગે છે.

“ઓઢા જામ ! તમેય ભાગો. શીદ ઊભા છો? મારી પાછળ મોટું કટક આવે છે, તમે બચી છૂટો.” એકલમલ્લ બોલ્યો.

“બેલી, કોના સારુ બચી છૂટું? કોઈનો ચૂડો ભાંગવાનો નથી.”

“અરે, કોઈક બિચારી રાહ જોતી હશે.”

“કોઈ ન મળે, બેલી ! સંસારમાં ક્યાંય માયા લગાડી નથી.”

એમ મોતના ડાચામાં ઊભા ઊભા બેય જુવાન મીઠી મીઠી મશ્કરી કરી રહ્યા છે. એકલમલ્લે ઘોડા ઉપરથી પલાણ ઉતારી, સામાન આડાઅવળા નાખી, ઘોડાને ખરેરો કરવા માંડ્યો.