પૃષ્ઠ:Rasdhar4.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હોથલ
૩૧
 

એક પલક પણ જો મારા હૈયામાંથી હું મારા વા'લાને વિસારું, તો તો હે ઈશ્વર, મને મરણ ટાણે સાથરોય મળશો મા, અંતરિયાળ મારું મોત થાજો. મારું મુડદું ઢાંકવા ખાંપણ પણ મળશો નહિ. ઓઢા જામ, વધુ તે શું કહું ?

જો વિસારું વલહા, રુદિયામાંથી રૂપ,
તો લગે ઓતરજી લૂક, થર બાબીડી થઈ ફરાં.

હે વા'લીડા, અંતરમાંથી જો તારું રૂપ વીસરી જાઉં તો મને ઓતરાદી દિશાના ઊના વાયરા વાજો, અને થરપારકર જેવા ઉજ્જડ અને આગઝરતા પ્રદેશમાં બાબીડી (હોલી) પંખિણીનો અવતાર પામીને મારો પ્રાણ પોકાર કરતો કરતો ભટક્યા કરજો.

"લ્યો ઓઢા જામ, પરણો તે દી એકલમલ્લભાઈને યાદ કરજો. અને કામ પડે તો કનરા ડુંગરના ગાળામાં આવી સાદ કરજો. બાકી તો જીવ્યા-મૂઆના જુહાર છે.”

એટલું બોલી એકલમલ્લે ઘોડો મરડ્યો. એ આભને ભરતો ભાલો, એ ખંભે પડેલી કમાન, એ તીરનો ભાથો, વંકો અસવાર, વંકો ઘોડો અને અસવારને માથે ચામર ઢોળતો એ ઘોડાના પૂંછનો ઝૂડો : બધુંય ઓઢો જામ ઊભો ઊભો જોઈ રહ્યો. પાછા વળી વળીને એકલમલ્લ નજર નાખતો જાય છે. સલામો કરતો જાય છે. જાય છે ! ઓ જાય ! ખેપટમાં અસવાર ઢંકાઈ જાય છે. માત્ર ભાલો જ ઝબૂકે છે.

એક ઘોડો ! ઓઢાનો ઘોડો જંબુમોર અને એકલમલ્લનો ઘોડો એળચીઃ એકબીજાને દેખ્યાં ત્યાં સુધી બેઉ ઘોડા સામસામી હાવળ દેતા ગયા. ઘોડાનેય જાણે પૂર્વજન્મની પ્રીત બંધાણી હતી.

પંખી વિનાના સૂના માળા જેવું હૈયું લઈને ઓઢો પોતાના અસવારોની સાથે ચાલી નીકળ્યો. એને બીજું કાંઈ ભાન નથી. એના અંતરમાં છેલ્લા એ ઉદ્‌ગારોના ભણકારા બોલે છે : 'સ્ત્રી પુરુષને કહે એવા દુહા એકલમલ્લે કાં કહ્યા?