પૃષ્ઠ:Rasdhar4.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હોથલ
૩૩
 

નહાતો હશે. પાળે ચડ્યો, ઝબક્યો. શું જોયું?

ચડી ચખાસર પાર, ઓઢે હોથલ ન્યારિયાં,
વિછાઈ બેઠી વાર, પાણી મથ્થે પદમણી.

પાળે ચડીને નજર કરે ત્યાં તો ચખાસરનાં હિલોળા લેતાં નીર ઉપર વાસુકિનાગનાં બચળાં જેવા પેનીઢક વાળ પાથરીને પદમણી નહાય છે. ચંપકવરણી કાયા ઉપર ચોટલો ઢંકાઈ ગયો છે.

ચડી ચખાસર પાર, હોથલ ન્યારી હેકલી,
સીંધ ઉખલા વાર, તરે ને તડકું દિયે.

એકલી સ્ત્રી ! દેવાંગના જેવાં રૂપ ! પાણી ઉપર તરે છે. મગર માફક શેલારા મારે છે.

પદમણીએ પાળ માથે પુરુષ પેખ્યો. ઓઢા જામને જોયો. ઉઘાડું અંગ જળની અંદર સંતાડી લીધું, ગરદન જેટલું માથું બહાર રાખીને હાથ હલાવીને અવાજ દીધો :

ઓઢો ઓથે ઊભિયો, રેખડિયારા જામ,
નહિ એકલમલ્લ ઉમરો, હોથલ મુંજો નામ.

એ ઓઢા જામ, ઝાડની ઓથે ઊભા રહો. હું તમારો એકલમલ્લ નહિ, હું તો હોથલ. હું નારી. મને મારી એબ ઢાંકવા દો.

મહાપાતક લાગ્યું હોય તેમ ઓઢો અવળો ફરી ગયો. પાળેથી નીચે ઉતરી ગયો. એનું જમણું અંગ ફરકવા માંડ્યું. અંતર ઊછળી ઊછળીને આભે અડી રહ્યું છે. એના કલેજામાં દીવા થઈ ગયા છે. એની રોમરાઈ ઊભી થઈ ગઈ છે.

પદમણી પાણીમાંથી બહાર નીકળી. નવલખા મોતીનો હાર વીખરાયો હોય એવાં પાણીનાં ટીપાં માથાના વાળમાંથી નીતરવા મંડ્યાં. થડકતે હૈયે એણે લૂગડાં પહેર્યાં. પછી બોલી :

"ઓઢા રાણા, આવો.”

વાચા વિનાનો ઓઢો, હાથ ઝાલીને કોઈ દોરી જતું હોય તેમ ચાલ્યો. અબોલ બન્ને કનરા ડુંગરમાં પહોંચ્યાં.