પૃષ્ઠ:Rasdhar4.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

ભોંયરામાં દાખલ થયાં. પાષાણના બાજઠ, પાષાણની સજાઈ, પાષાણનાં ઓશીકાં: એવું જાણે કોઈ તપિયાનું ધામ જોયું. શિલા ઉપર ઓઢો બેઠો, પદમણી ઊંડાણમાં ગઈ.

થોડી વારે પાછી આવી. કેસર-કંકુની આડ કરી, સેથામાં હિંગળો પૂરી, આંખડીમાં કાજળ આંજી, નેણમાં સોંધો કંડારી, મલપતાં પગલાં ભરતી આવી. પાવાસરની જાણે હંસલી આવી, જાણે કાશ્મીરની મૃગલી આવી. સિંહલદ્વીપની જાણે હાથણી આવી. હોથલ આવી.

એકલમલ્લની કરડાઈ ન મળે, બાણાવળીના લોખંડી બાહુ ન મળે, ધરતીને ધ્રુજાવનારા ધબકારા ન મળે. લોઢાના બખતર હેઠળ શું એકલમલ્લે રૂપના આવડા બધા ભંડાર છુપાવેલા હતા !

“ઓઢા જામ ! સમસ્યા પારખીને આવ્યો ?"

“હે દેવાંગના! હું આવ્યો તો હતો તમને ભેરુ જાણીને. મારો સંસાર સળગાવીને આવ્યો છું. મારા એકલમલ્લ બેલીને માટે ઝૂરતો આવ્યો છું.”

“ઓઢા, બાપની મરણ-સજાઈ માથે વ્રત લીધેલાં કે સાંઢ્યું વાન્યા પહેલાં વિવા ન કરું. એ વ્રત તો પૂરાં થયાં. તારી સાથે લેણાદેણી જાગી. સંસારમાં બીજા સહુ ભાઈ-બાપ બની ગયા. પણ તારી આગળ અંતર ન ઊઘડી શક્યું. આ ભવ બાવાવેશે પૂરો કરત. પણ ચાર ચાર મહિનાના મેલ ચડેલા તે આજ ના'વા પડી. તે મને ના'તી ભાળી. બસ, હવે હું બીજે ક્યાં જાઉં?”

ઓઢો ધરતી સામે જોઈ રહ્યો.

"પણ, ઓઢા, જોજે હો ! મારી સાથે સંસાર માંડવો એ તો ખાંડાની ધાર છે. હું મરણલોકનું માનવી નથી. તારા ઘરમાં હોથલ છે એટલી વાત બહાર પડે તે દી તારે ને મારે