પૃષ્ઠ:Rasdhar4.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હોથલ
૩૫
 

આંખ્યુંનીયે ઓળખાણ નહિ રહે, હો!”

ઓઢાની ધીરજ તૂટી —

ચાય તો માર્ય જિવાડ્ય, મરણું ચંગું માશૂક હથ.,
જીવ જિવાડણહાર, નેણાં તોજાં નિગામરી.

હોથલ, હે નિગામરાની પુત્રી, ચાહે તો મને માર, ચાહે તો જિવાડ. તારે હાથે તો મરવુંયે મીઠું.

પણ પછી તો —

રણમેં કિયો માંડવો, વિછાઈ દાડમ ધ્રાખ,,
ઓઢો હોથલ પરણીજેં, (તેંજી) સૂરજ પૂરજે સાખ.

વનરાવનમાં દાડમડીનાં ઝાડ ઝુલી રહ્યાં છે. ઝાડવાને માથે દ્રાક્ષના વેલા પથરાઈને લેલૂંબ મંડપ રચાઈ રહ્યા છે. એવા મંડપનો માંડવો કરીને ઓઢો-હોથલ આજ હથેવાળે પરણે છે. હે સૂરજદેવ, એની સાક્ષી પૂરજે.

ચોરી આંટા ચાર, ઓઢે હોથલસેં ડિના,
નિગામરી એક નાર, બિયો કિયોરજો રાજિયો.

તે દિવસે સાંજને ટાણે, ઓઢો હોથલની સાથે ચોરીના ચાર આંટા ફર્યો. એક નિગામરા વંશની પુત્રી, ને બીજો કિયોર કકડાણાનો રાજવી : માનવીએ અને દેવીએ સંસાર માંડ્યા. ડુંગરનાં ઘર કર્યાં. પશુપંખીનો પરિવાર પાળ્યો.

સજણ સંભરિયાં

એવા રસભર્યા સંસારનાં દસ દસ વરસ જાણે દસ દિવસ જેવડાં થઈને વીતી ગયાં છે. હોથલના ખેાળામાં બે દીકરા રમે છે. કનરાની કુંજો એ સાવજ જેવા જખરા અને જેસલની ત્રાડોથી હલમલી હાલી છે, ઘટાટોપ ઝાડીમાં હિલેાળા મચ્યા છે. એવે એક દિવસ આઘે આઘે ઓતરાદી દિશામાં જ્યાં વાદળ અને ધરતીએ એકબીજાને બથ ભરી છે, ત્યાં મીટ માંડીને ઓઢો જામ શિલા ઉપર બેઠો છે. એના અંતરમાં અકળ ઉદાસી ભરી છે. ત્યાં તો મેઘ-ધરતીના આલિંગનમાંથી વરસાદના દોરિયા ફૂટ્યા.