પૃષ્ઠ:Rasdhar4.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 


અરે, હોથલ !

રેલમછેલા ડુંગરા, ચાવો લગેં ચકોર,
વીસર્યા સંભારી ડીએ, સે ન મારીજે મોર.

આવા રેલમછેલ રૂડા ડુંગરાની અંદર છલકાતાં સુખની વચ્ચે માનવીને પોતાનાં વિસારે પડેલાં વહાલાં યાદ કરાવી આપે એવા પરોપકારી મોરલાને ન મરાય.

કહેતાં કહેતાં ઓઢાની આંખમાંથી આંસુની ધાર ચાલી જાય છે.

“અરે, ઓઢા જામ ! એવડું તે શું દુઃખ પડ્યું ? આજે શું સાંભર્યું છે?” એમ પૂછતી પૂછતી હોથલ એને પંપાળે છે. પણ ઓઢાનાં આંસુ થંભતાં નથી. એમ કરતાં કરતાં તો —

છીપર ભીંજાણી, છક હુવો, ત્રંબક હુઈ વ્યાં નેણ,
અમથી ઉત્તમ ગોરિયાં, ચડી તોજે ચિત સેણ.

જે શિલા ઉપર ઓઢો બેઠો હતો તે આખી શિલા આંસુડે ભીંજાઈ ગઈ. રોનારની આંખો ધમેલ ત્રાંબા જેવી રાતી થઈ ગઈ. ત્યાર પછી હોથલ ગરીબડું મોં કરીને બોલી :
“ઓઢા, શું મારાથી અધિક ગુણવતી કોઈ સુંદરી તારા ચિત્તમાં ચડી ? નીકર, તું મને આજે આમ તરછોડત નહિ.”

એટલું બોલતાં તો હોથલનું ગળું રુંધાઈ ગયું. એની આંખ છલકાઈ ગઈ હોથલની હડપચી ઝાલીને ઓઢાએ મોં ઊંચું કર્યું અને કહ્યું: હોથલ ! —

કનરે મોતી નીપજે, કચ્છમેં થિયેતા મઠ,
હોથલ જેડી પદમણી, કચ્છમેં નેણે ન દઠ. .

હોથલ, એવા અંદેશા આણ્ય મા. ઓઢા ઉપર આવડાં બધાં આળ શોભે ? ઓ મારી હોથલ, તારા સરખાં મોતી તો કનરામાં જ નીપજે છે, કચ્છમાં તો ભૂંડા મઠ જ થાય છે. હોથલ જેવી સુંદરી કચ્છમાં મેં નથી ભાળી.

અને —