પૃષ્ઠ:Rasdhar4.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હોથલ
૩૯
 

ખેરી બૂરી ને બાવરી, ફૂલ કંઢા ને કખ,
(પણ) હોથલ હલો કછડે, જિતે આડુ સવાયા લખ.

કચ્છમાં તો ખેર, બાવળ અને બોરનાં ભૂંડાં કાંટાળાં ઝાડ ઊગે છે. ત્યાં કોઈ ફૂલ-મેવાની વનસ્પતિ નથી. તોયે એ હોથલ, મને આજ મારો કચ્છ સાંભરે છે, કેમ કે, ત્યાં લાખેણા જવાંમર્દો નીપજે છે. હાલ હોથલ, એ ઉજ્જડ રણવગડા જેવી તોયે મરદની ભોમકામાં હાલો.

મારો કચ્છ ! વાહ મારું વતન ! હોથલ, મને કચ્છ વિના હવે જંપ નથી. ઓહોહો ! જ્યાં —

ભલ ઘોડા, કાઠી ભલા, પેનીઢક પેરવેસ,
રાજા જદુવંસરા, ઓ ડોલરિયે દેસ.

એવા રૂડા ઘોડા ને એવા વંકા કાઠી જોદ્ધાઓ પાકે છે, જેના અંગ ઉપર પગને પેની સુધી ઢળકતા પોશાક શોભે છે, જે પોતાના દેહને જરાયે ઉઘાડો રાખવામાં એબ સમજે છે, અને જ્યાં જાદવ વંશના ધર્મી રાજા રાજ કરે છે : એવા મારા ડોલરિયા દેશમાં – મારા કચ્છમાં – એક વાર હાલો, હોથલદે !

અને વળી —

વંકા કુંવર, વિકટ ભડ, વંકા વાછડીએ વછ,
વંકા કુંવર ત થિંયે, પાણી પીએ જો કચ્છ..

રાજાના રણબંકા કુંવરો, બંકા મરદો અને ગાયના બંકા વાછડા જો કચ્છનું પાણી પીએ, તો જ એનામાં મરદાનગી આવે. મારા જખરા-જેસળને પણ જો કચ્છનું નીર પિવડાવીએ, તો એ સાવજ સરખા બને.

હાલો, હોથલ, હાલો કચ્છમાં; અરે, દેવી !

હરણ અખાડા નહિ છડે, જનભોસ નરાં,
હાથીકે વિંધ્યાચળાં, વીસરશે મૂવાં.

કનરાનાં છલકાતાં સુખની વચ્ચે હું મારી જનમભોમને કેમ કરીને વીસરું? હરણ એના અખાડાને, માનવી એની જનમભોમને અને હાથી વિંધ્યાચળ પહાડને કેમ વીસરે ? એ તો મરીએ ત્યારે જ વીસરાય.

હોથલ ! મને તારા સુંવાળા ખોળામાં માથું મેલીને સૂતાંય આજ નીંદર નથી, મારો સૂકો સળગતો કચ્છ સાંભર્યા કરે છે.