પૃષ્ઠ:Rasdhar4.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

પલાળી રહ્યો છે. આજ આખા કિયોરમાં એક જ માનવી મને વીસર્યું નથી.

મિત૨ કીજે મંગણાં, અવરાં આરપંપાર,
જીવતડાં જશ ગાવસે, મુવાં લડાવણહાર,

મિત્ર કરીએ તો ચારણને જ કરીએ, બીજી સહુ આળપંપાળ. ચારણ જીવતાં તો જશ ગાય, પણ મૂઆ પછી કેવાં લાડ લડાવે છે !

પોતાના માથા ઉપર ફેંટો હતો તેનો ગોટો વાળીને ઓઢાએ ફળીમાં ફગાવ્યો. ઝબકીને ચારણે જોયું. જઈને દોડ્યો. “ઓઢા! બાપ ઓઢા ! ઓઢા, જીવતો છો?”

“સાહેબધણીની દયાથી !"

બેય જણ બથ લઈને ભેટ્યા. ઓઢે સમાચાર પૂછ્યા : "ગઢવી, ભાઈ-ભાભી સહુ ખુશીમાં ?”

“મારા બાપ ! ભાઈનું તો મોટું ગામતરું થયું, ને આજ કિયોર કકડાણાને માથે નાનેરા ભાઈ બુઢ્ઢાએ આદું વાવી દીધાં છે. તું ભાગવા માંડ. તને ભૂંડે મોતે મારશે, ભાઈ, વસ્તી વીફરી બેઠી છે. કિયોરની ધરતીમાંથી ઈશ્વર ઊઠી ગયો છે.”

"બસ ગઢવા ?"

"બસ !"

ફરી બેય જણાએ બથ લીધી. ઓઢાએ જુહાર દીધા. અંધારે ચોરની જેમ એ લપાતો પાદર આવ્યો.

"હોથલ ! હાલો, જનમભોમ જાકારો દે છે.”

"કાં ?"

"કાં શું? માનવીનાં પારખાં નહોતાં. તેં આજ દુનિયાની લીલા, દેખાડી.”

“જનમાભોમની વહાલપ જાણી લીધી ?”

"જાણી લીધી – પેટ ભરીને માણી લીધી.”

"હવે ઓરતો નહિ રહી જાય ને ?”