પૃષ્ઠ:Rasdhar4.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હોથલ
૪૩
 

"સાત અવતાર સુધી નહિ.”

"હાલો ત્યારે, કયાં જાશું?"

"પીરાણે પાટણ, મશિયાઈને આંગણે.”

"જોજે હો, તું મને ત્યાં છતી કરતો નહિ. દીધેલ કોલ ભૂલતો નહિ.”

છતી કરી

પીરાણા પાટણના સરોવર કિનારા સૂના પડ્યા છે. પશુડાં પાણી વિના ટળવળે છે. પનિયારીઓના કલ્લોલ ત્યાં અબોલ બની ગયા છે. વીસળદેવ કાકાએ ભત્રીજાઓને સાવધ કર્યા: “ભાઈ જેસળ, ભાઈ જખરા, સરોવરની પાળે ચઢશો મા, હો ! કાળઝાળ સાવજ રહે છે.”

પંદર-સોળ વરસના બેય બાળકો હૈયામાં ધા ખાઈ ગયા. પદમણીના પુત્રો તે ટાણે તો કાકાબાપુની ચેતવણી પી ગયા, પણ ત્યાર પછી બેયને પલકારેય જંપ નથી. પોતાની મર્દાઈને અપમાન મળ્યાં છે. માથામાં એક જ વાતની ધમધમાટી મચી ગઈ કે ‘ક્યારે સાવજ મારીએ ?’

સાંજના અંધારામાં સરોવરની પાળે ઝાડની ઘટામાં કોઈ ભેંકાર નરસિંહ અવતાર જેવા એ સાવજના પીળા ડોળા દેવતાના અંગારા જેવા ઝગી રહ્યા છે. આઠ હાથ લાંબો, ડાલામથ્થો, છરા જેવા દાંત કચકચાવતો કેસરી લપાઈને બેઠો છે.

“ઊઠ, ઊઠ, એ કૂતરા !” પંદર વરસના પદમણીપુત્રોએ સાવજને પડકાર્યો.

વનરાજ આળસ મરડીને ઊઠ્યો, કેશવાળી ખંખેરીને ઊઠ્યો, મહા કાળઝાળ જોગંદર જાણે સમાધિનો ભંગ થાય ને ઊઠે તેમ ઊઠ્યો. ઝાડવાં હલમલી ઊઠે તેમ ત્રાડ દીધી, પૂછડાનો ઝુંડો ઊંચો ઉપાડીને પોતાની પડછંદ કાયાને સંકેલી છલંગ મારી.