પૃષ્ઠ:Rasdhar4.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
સૌરાષ્ટ્રની રસધાર : ૪
 


સાયર લેર્યું ને પણંગ થર,થળ વેળુ ને સર વાળ,
દનમાં દાડી સાંભરે, ઓઢો એતી વાર.

સાયરનાં જેટલાં મોજાં, વરસાદનાં જેટલાં બિંદુ, રણની રેતીના જેટલા કણ અને સિર પર જેટલા વાળ, તેટલી વાર એક્કેક દિવસમાં ઓઢો એને યાદ આવે છે.

દાડી ચડતી ડુંગરે, દલના કરીને દોર,
ઝાડવે ઝાડવે જીંગોરતા, (હું) કેતાક ઉડાડું મોર?

ડુંગરા ઉપર મેરલા ટહુકે છે અને મને એ યાદ આવે છે. મોરલાને ઉડાડવા માટે દિલની પણછ કરીને હું ડુંગરે ડુંગરે ચડું છું. પણ ઝાડવે ઝાડવે જ્યાં મોરલા ગરજે છે, ત્યાં હું કેટલાકને ઉડાડું ?

બીજી બાજુ —

સામી ધાર દીવા બળે, વીજળી ચમક ભળાં,
ઓઢો આજ અણોહરો, હોથલ નૈ ઘરાં.

સામા ડુંગરામાં દીવા બળે છે, વીજળી ચમકારા કરે છે, અને વર્ષાઋતુના એવા રૂડા દિવસમાં વિજોગી ઓઢો એકલો ઝૂરે છે, કેમ કે હોથલ ધેર નથી.

ઓઢો ને હોથલ બેય ચાતકો ઝૂરતાં રહ્યાં. માથે કાળની મેઘલી રાત પડી અને સંજોગનો સૂરજ કદીયે ઊગ્યો નહિ.

[વાર્તાકાર કહે છે કે, ઓઢાનું હૈયું વિયોગે ફાટી પડ્યું; અને એના મૃતદેહને દહન કરતી વખતે અંતરીક્ષમાંથી હોથલ ઉપાડી ગઈ, પુત્રના લગ્ન કાળે હોથલ પોંખવા આવી અને એ વખતે પુત્રવધૂએ એનો પાલવ ઝાલીને રોકી રાખ્યાં વગેરે.
'કનરો ડુંગર' કાઠિયાવાડમાં બે-ત્રણ જગ્યાએ બતાવવામાં આવે છે, હોથલ કાઠિયાવાડણ હતી એવી લોકોક્તિ છે. ગીરના ડુંગરામાં એના ચમત્કારો હજીયે થતા હોવાની વાતો બોલાય છે. કોઈ કહે છે કે પાંચળમાં હોથલિયો ડુંગર અને રંગતળાવડી છે તે જ હોથલનું રહેઠાણ; કોઈ મેંદરડા પાસેનો કનરો ડુંગર બતાવે છે, જ્યારે કનરો ડુંગર કચ્છ પ્રદેશનીયે ઉત્તરે થરપારકર તરફ હોવાનું મક્કમપણે કહેવાય છે.
આ વાર્તાના દુહા અસલ તો કચ્છી ભાષામાં હશે, પણ અત્યારે એમાં કાઠિયાવાડી વાણી સારી પેઠે ગૂંથાઈ ગઈ છે.]