પૃષ્ઠ:Rasdhar4.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
સૌરાષ્ટ્રની રસધાર : ૪
 

સૂતો બહારવટિયો બોલ્યો.

“માડી રે !” સ્વામીના હૈયા ઉપર હાથ મૂકીને સ્ત્રી ચોંકે છે. “આવડા બધા ધબકારા ! એવું કયું ઘોર પાતક કરી નાખ્યું છે, કાઠી”

“કાઠિયાણી, શું કરું? આપણે માથે સમો એવો છે. આજ હું મારા સગા બાપના ઘરમાંયે ચોર બનીને દાખલ થાઉં છું. દેવો વાળો તો સાવજ છે. એને દુશ્મનની ઘ્રાણ્ય આવે છે.”

“આમ ફડકમાં ને ફડકમાં ક્યાં સુધી જીવી શકાશે? પરણીને આવી છું તે દીથી જ પથારીમાં એકલી ફફડું છું. રાતે ભેરવને બોલતી સાંભળું છું કે તરત સૂરજને બબ્બે શ્રીફળની માનતા માનું છું. વામાં કમાડ ખખડે ત્યાં તો જાણે ‘તું આવ્યો’ સમજીને ડેલી ઉઘાડવા દોડું છું. સોણાં આવે છે તેમાંય આપણી તાજણના ડાબા સાંભળી સાંભળી ઝબકું છું.”

એટલું બોલતાં તો કાઠિયાણીની કાળી ભમ્મર બે મોટી આંખમાં પાણી બંધાઈ ગયાં. ગાલે લીલાં ત્રાજવાં હતાં તેની ઉપર આંસુડાં પડ્યાં અને એ ઉપર દીવાનું પ્રતિબિંબ બંધાયું. ગાલ વચ્ચે જાણે હીરાકણીઓ જડાઈ ગઈ.

“કાઠિયાણી!” હાથમાં હાથ લઈને પુરુષે હેત છાંટ્યું. “એમ કોચવાઈ જવાય? પાડાની કાંધ જેવો ઢોળવાનો ગરાસ ધૂળ મેળવવો મને શું ગમતો હશે? તારા ખોળાના વિસામા મેલીને હું મારી કાયાને કોતરમાં, ઝાડીઓમાં, વેરાનમાં રગદોળતો ભાટકું છું એની વેદના હું કેને જઈને બતાવું? પણ શું કરું? ભગવાને બે ભુજાઓ દીધી છે છતાં જો અન્યાયથી દેવો વાળો ઢોળવું આંચકી લે ને હું એ સાંખી લઉં, તો તો મારા પૂર્વજોની સાત પેઢીઓને ખોટ બેસે. તેમ છતાંયે