પૃષ્ઠ:Rasdhar4.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વરજાંગ ધાધલ
૫૩
 

“આપા દેવા વાળા !” કાઠિયાણીએ ખડકી ઉઘાડીને લાંબા ઘૂમટામાંથી ઉત્તર દીધો, “કાઠી ઘરે નથી અને કીડીને માથે કટક લઈને તું ચડી આવ્ય એમાં તારું વડપણ ન વદે. બાકી તો અણછાજતાં વેણ આપા દેવાના મોઢામાં હોય નહિ. દેવતાઈ નર દેવો વાળો આજ ઊઠીને પોતાની દીકરીને ભોંઠપ કાં દઈ રહ્યો છે?”

“દીકરી, વરજાંગ અહીં રાત હતો?” હેતાળ અવાજે દરબારે પૂછ્યું. એ અવાજમાં પસ્તાવો હતો. “હા !”

“કોણે ચેતાવ્યો?”

“મેં !” કસિયાભાઈ ચારણે પાછળથી જવાબ દીધો.

“કસિયાભાઈ, તમે? ખુટામણ?”

“આપા દેવા વાળા ! કસિયો ભાળે, ને તું વીરા વાળાનો પોતરો ઊઠીને વરજાંગ જેવા ખાનદાન કાઠીને દગાથી મારે — એ વાત બ્રહ્માંડેય બને કદી? આપા દેવા ! જરા વિચાર કર, વરજાંગડો એકલે હાથે તારાં અનોધાં જોર સામે ઝૂઝે છે, હક્કને કારણે માથું હાથમાં લઈને ફરે છે. એના ખડિયામાં ખાંપણ ને મોંમાં તુલસીનાં પાંદડાં તે લેવરાવ્યાં, તોય કાળ ઊતરતો નથી, આપા ?”

દેવો વાળો ધગી ગયા, પણ કસિયાભાઈને જોઈને અબોલ બની ગયા. કાળમાં ને કાળમાં એણે ઘોડાં ઉપાડ્યાં. ભૂખ્યા ને તરસ્યા અંજલિ કસૂંબો લીધા વગર ઠેઠ જાતાં ઘોડાં ગોહિલવાડમાં લાખણકાને માથે કાઢ્યાં. જઈને —

બાળ્યું લાખણકું બધું, કટકે કાંથડકા,
(તેના) ભાવાણે ભડકા, દીઠા વખતે દેવડા

કાંથડના કુંવર દેવાએ લાખણકું ગામ સળગાવ્યું અને એના ભડકા ભાવેણાના ધણી વખતસંગજીએ પોતાની અટારીમાં બેઠાં બેઠાં દેખ્યા. પણ