પૃષ્ઠ:Rasdhar4.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સોરઠની ગંગાલહરી

'ભાગીરથી'ની જે ઘટના આંહીં આલેખાઈ છે, તે તો જાણે કે બિકાનેરના કવિકુમાર પૃથ્વીરાજજીની જીવનઘટનામાંથી ચોરાયેલી હોય તેવું કહેવાય છે. અકબરના દરબારના એ ક્ષત્રિય-કવિ પૃથ્વીરાજજી ચારણી સાહિત્યના એવા ધુરંધર સર્જક હતા, કે એમના પિતૃત્વ વિશે ચારણોએ મલિન લોકાપવાદ ચલાવેલો. એ વાત પૃથ્વીરાજજીને કાને પહોંચી. પહોંચ્યા માતાની પાસે. “માડી ! સાચું કહેજો, મારા ગર્ભાધાનમાં કશી કલંકકથા છે કે નહિ? ન કહો તે હું પ્રાણ કાઢું !” “બેટા, એબ તો એટલી જ, કે જે રાત્રિએ તારું ઓધાન રહ્યું તે જ સંધ્યાએ રજસ્વલા સ્નાન કરીને તારા પિતાની વાટ જોતી હું છૂટે કેશે ઝરૂખામાં ઊભેલી. સામેના મહેલમાં આપણા રાજકવિ ઊભેલા. મારાં નેત્રોથી એની સામે એક નજર થઈ ગઈ હતી.” માતાની વિશુદ્ધિની આ કથા જગતે એમ માની નહિ. એટલે પૃથ્વીરાજજીએ ભાગીરથીના ધાટ પર બેસી દુહે દુહે ગંગાજીને પગથિયાં ચડાવ્યાં અને પોતે માથાબોળ સ્નાન લીધું. આ કથા મારવાડી ચારણોએ મને કહી છે. પરંતુ 'રાજદે–ભાગીરથી' અને 'પૃથ્વીરાજ–ભાગીરથી' એ બેમાંથી ઈતિહાસનું પ્રમાણ કોને પક્ષે જાય છે તે નક્કી કરવું રહ્યું છે. ને એ દંતકથાઓ હો, તે યે શી હાનિ છે? લોકહૃદયની ભાવનામાં રમી રહેનારી કલ્પનાઓ પણ ઇતિહાસ જ છે ના ! એ જ સાચો ઇતિહાસ છે.

સોરઠનો પ્રોમિથિયસ

ગ્રીસ દેશના પુરાણમાં એક કથા છે : માનવજાતિના બાલ્યકાળમાં, શસ્ત્રહીન અને નિરાધાર માનવીઓને માટે, તેઓના બલવાન બાંધવા પ્રોમિથિયસે સ્વર્ગમાં જઈને ઈંદ્રના ભુવનમાંથી અગ્નિનો અંગાર આણ્યો અને ધરતીનાં ખનિજો ખોદી માનવીઓને પોતાના રક્ષણાર્થે એ અગ્નિ વડે અસ્ત્ર-શસ્ત્રો બનાવતાં શીખવ્યું. માનવ-જાતિના આ નવા સામર્થ્યથી અમરરાજે પોતાના સિહાસનને ડોલતું દેખ્યું. પોતાના ભવનમાંથી અગ્નિ લઈ જનાર પ્રોમિથિયસને એણે પકડાવ્યો અને કૉકેસસ પહાડના કાળાઘોર પથ્થરના શિખર પર એ શત્રુના શરીરને સાંકળા અને ખીલા વડે જડી લીધું. સ્વાર્થભીરુ ઈંદ્રના કોપને સહન કરતો એ માનવી સળગતા સૂર્યમાં

9