પૃષ્ઠ:Rasdhar4.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
સૌરાષ્ટ્રની રસધાર : ૪
 

વરજાંગની ઘોડીને આંબે? રાણપુરના ગઢમાં પહોંચીને પોતાના ધણીને ઉતારી મેલ્યો. ખાંનું રૂંવાડુંય ખાંડું થયું નહોતું.

પારકરની ચડાઈમાં

સાકર ચોખાં ભાતલાં, દાઢાં વચ દળવા,
મન હાલે મળવા, ધાધલ વાળે ઢોળવે.

લુંઘિયાનો દરબાર રાણિંગ વાળો સિંધમાં થરપારકરને માથે ચડવાની તૈયારીઓ કરી રહ્યો છે. પોતાના સગા ભાઈ ઓઘડને પારકરના ઠાકરે જીવથી મારી નાખ્યો છે. ભાઈના વેરનો હિસાબ ચૂકવવા આજ રાણિંગ વાળો કાઠીનું કટક ભેળું કરે છે.

“આપા રાણિંગ.” સાથીઓએ કહ્યું, “તારા આટલા કાઠીને સિંધના જોદ્ધાઓ બૂકડો કરી જાશે; જાણ છે કે?”

“ત્યારે શું કરું?”

“એકે હજારાં કહેવાય એવા એક માટીને તો ભેળો લે!”

“કોણ ?”

“વરજાંગ. એના હાથ તે દી રાણપરને સીમાડે પારખ્યા છે.”

રાણિંગ વાળાએ વરજાંગને કહેણ મોકલ્યું. ઘોડે ચડીને વરજાંગ લુંઘિયે આવ્યો. લુંઘિયાને ચોરે એણે ઉતારો કર્યો. પોતાના ખડિયામાં જે ખાનપાન લાવ્યો હતો તેના ઉપર ગુજારો કર્યો. જમવા ટાણે કે કસૂંબા ટાણે એને કોઈ બોલાવતું નથી. કોઈ એની સાથે વાતચીત પણ કરતું નથી.

પારકર પર વાર ચડી. રાણિંગ વાળાના હેતના કટકા થઈ બેઠેલા કંઈક કાઠીઓ સામસામા ટહુકા કરતા આવે છે. પણ વરજાંગની તાજણ તરીને એકલી ચાલી આવે છે. એને કોઈ બોલાવતું નથી. બધાં અપમાન વરજાંગ ઘૂંટડે ઘૂંટડે ગળી ગયો. એમ કરતાં તો થરપારકરની સીમા દેખાણી.