પૃષ્ઠ:Rasdhar4.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 


ઓળખ્યો, પૂછ્યું: “કોણ વરજાંગ ધાધલ? ગળથ ગામના વિસામણ બસિયાનો મારતલ તું પોતે જ ?”

“એ હા, બા, હું પોતે જ. તમે સહુ પણ ગળથનો જ બસિયા દાયરો કે ?”

“હા, હા, આપા વરજાંગ ! તયેં હવે માટી થા.”

“આવો બા, માંડણકુંડલાને પાદર હું ઊભો હોઉં અને બસિયાની જાનનાં પોંખણા ન થાય તો સંધી ભાઈઓને ધોખો થાય. આવો ! આવો !”

“અને અમેય આપા વિસામણની વરસી વાળતા જાયેં.”

લગનના સૂર બદલી ગયા. શરણાઈઓ સિંધુડો તાણવા મંડી. ઘોડાં ! ઘોડાં ! ઘોડાં ! થવા મંડ્યું. ઘમસાણ બોલ્યું. આજ જાણે નવી જાન જોડાણી. વરવાડો વીર વરજાંગ ભાલે રમે છે કે ફૂલદડે તેનું એને ભાન રહ્યું નથી. ડાંડિયારાસ લે છે કે લડે છે તેનો એને ભેદ રહ્યો નથી. પચાસ કાઠીઓના પ્રહાર ઝીલતી એની તલવારના ટુકડા થઈને હાથમાંથી ઊડી ગયા. એ એકલવીરની ચોગરદમ મંડળ બંધાઈ ગયું. એ પડ્યો, સંધીઓ દોડ્યા ને બસિયાઓ ભાગ્યા. બધું પલકમાં બન્યું.

રાણપુરમાં સવાર પડ્યું ત્યારે માંડણકુંડલેથી વરજાંગના મોતના વાવડ આવ્યા.

બીજે જ દિવસે એક હિંગળોકિયું વેલડું આવીને રાણપુરને પાદર ઊભું રહ્યું.

“આઈ, ઢોળવેથી આપા દેવા વાળાએ તેડાં મોકલ્યાં છે.”

“હા, બાપ ! હાલો. હવે મારી પાસે જે બે-ચાર ગાભા રહ્યા છે તે દેવા વાળાને સોંપી દઉં, એટલે અમારો અને એનો હિસાબ ચેખો થાય. હાલો.”

આઈ પોતાનાં છોકરાં લઈને વેલડામાં બેસી ઢોળવે ગયાં. ડેલીએ દરબાર દેવો વાળો દાયરો ભરીને બેઠા છે.