પૃષ્ઠ:Rasdhar4.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઓળીપો

રણીને આવી છે તે ઘડીથી રૂપીને જંપ નથી. એને તો બસ એક જ રઢ લાગી ગઈ છે. બાપાદર ગામના આઘા આઘા ઓરિયામાંથી જ્યારે રૂપી ધોળી માટીના થર ખોદી રહી હોય છે, ત્યારે એને ભાન નથી રહેતું કે ઓરિયાની ભેખડમાં પોતે કેટલી ઊંડી ઊંડી ચાલી જાય છે. વટેમાર્ગુ જોતાં જોતાં ચેતવતાં જાય છે : “રૂપી, ભેખડ પડશે ને તુંને દાટી દેશે, હો બેટા !”

પણ રૂપી તો મેરની દીકરી, એને તો એનાં ઘરખોરડાં આભલાં જેવાં ઊજળાં કરવાં છે. ઓરડામાં કમાનો વાળવી છે. દાણા ભરવાની મોટી મોટી કોઠીઓ ઘડીને તેના ઉપર નકશી કરવી છે. ગોખલા કંડારવા છે. ભીંત ઉપર ચિતરામણ આલેખવાં છે. રૂપીને ઠાવકી, ચીકણી, માખણના પિંડા જેવી ધોળી માટી વગર કેમ ચાલે? દટાઈ જાય તોયે શું?

માટીના સૂંડલા પોતાને માથે મેલીને, મલપતા મલપતી, રૂપી ચાલી આવે છે. ધોમધખતા તાપમાં એનું રૂપાળું મોં રાતુંચોળ થાતું આવે છે. મોતીની સેર વીખરાણી હોય તેવાં પરસેવાનાં ટીપાં ટપકતાં આવે છે. કૂવાને કાંઠેય મેરાણીઓ મોઢાં મચકોડી વાત કરે છે :

“નભાઈ, આ તો નવી નવાઈની આવી છે ! કૂવામાં પાણી જ રે’વા દેતી નથી. કુણ જાણે અધરાતથી બેડાં તાણવા માંડે છે.”

૬૨