પૃષ્ઠ:Rasdhar4.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
સૌરાષ્ટ્રની રસધાર
 

વાતો ભૂલી જતાં હતાં. ઈશ્વરે પોતાની વહુને થોડા જ સમયમાં ઘરની આવી મમતા લગાડી દીધેલી દેખીને નથુડો પોતાના અંતરમાં સ્વર્ગનું સુખ અનુભવી રહ્યો છે. નિસરણીની ટોચે ઊભીને કરો લીંપતી સ્ત્રી જાણે આભની અટારીમાં ઊભેલી અપ્સરા હોય એવું એવું એને લાગ્યા કરતું. ગોરમટીનાં છાંટણાંમાં ભીંજાયેલી એ જુવાન મેરાણી નથુને મન તો કોઈ નવલખાં રત્ને મઢેલી પ્રતિમા જેવી દેખાતી. એના હૈયામાંથી ઉદ્‌ગાર નીકળી જતો કે, ‘ઓહોહો ! બાપોદર ગામના જુવાનિયામાં મારા સરખો સુખી મેર બીજો કોઈ ન મળે.’

એમ કરતાં કરતાં અષાઢ ઊતરીને શ્રાવણ બેઠો. જોતજોતામાં તો બાપોદર ગામ હરિયાળી કુંજ જેવું બની ગયું. નદી અને નહેરાં છલોછલ હાલ્યાં જાય છે. ધરતીનાં ઢોરઢાંખર અને પંખીડાં હરખમાં હિલેાળા મારે છે, ને રૂપીયે વારતહેવાર રહેવા મંડી છે. સવાર પડે છે ને હાથમાં ચોખા-કંકાવટી લઈ રૂપી બાપોદરનાં દેવસ્થાનો ગોતે છે, પીપળાને અને ગાયને ચાંદલા કરી કરી ચોખા ચડાવે છે, નાગદેવતાના રાફડા ઉપર દૂધ રેડે છે. રૂપીને મન તે આ સૃષ્ટિ શી રળિયામણી હતી ! ઓહોહો ! શી રળિયામણી હતી !

શીતળા-સાતમ અને ગોકળ-આઠમના તહેવાર ઢૂકડા આવ્યા. સાતમ-આઠમ ઉપર તો મેરાણીઓ ગાંડીતૂર બને. પરણેલી જુવાનડીઓને પિયરથી તેડાં આવે. રૂપીનેય માવતરથી સંદેશા આવ્યા કે, ‘સાતમ કરવા વહેલી પહોંચજે.’

સાસુ-સસરાએ રાજીખુશીથી પોતાની લાડકવાયી વહુને મહિયર મહાલવાની રજા આપી. નવી જોડ લૂગડાં પહેરી, ઘરેણાંગાંઠાં ઠાંસી, સવા વાંભનો ચોરસ ચોટલો ગૂંથી, સેંથે હિંગળો પૂરી ને આંખે કાજળ આંજી રૂપી પિયર જવા નીકળી. માથે લૂગડાંની નાની બચકી લીધી.