પૃષ્ઠ:Rasdhar4.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઓળીપો
૬૭
 


દડ! દડ! દડ ! રૂપીની કાળી કાળી બે મોટી આંખોમાંથી પાણી દડી પડ્યાં. એના હૈયામાં ધ્રાસકો પડી ગયો. એનું બોલવું માવતરને ગળે ઊતરતું જ નથી, અદેખી પાડોશણોએ પિયરિયાંના કાનમાં નિંદાનું ઝેર રેડી દીધું હતું. રૂપી શું બોલે, કોને સમજાવે? સાસરિયાંનું સારું બોલનારી એ છોકરીને સહુએ શરમાળ, ગુણિયલ અને આબરૂરખી ગણી હસી કાઢી. જેમ જેમ એ બોલતી ગઈ, તેમ તેમ સહુને એને માટે વધુ ને વધુ અનુકંપા ઊપજતી ગઈ. અબોલ બનીને એ છાનીમાની ઓરડામાં બેસી ગઈ. રોવા જેટલું તો ત્યાં એકાંત પણ ક્યાંથી હોય?

રૂપીનો બાપ બાપોદર ગયો. વેવાઈઓને વસમાં વેણ સંભળાવ્યાં. બિચારાં બુઢ્ઢાં માવતર અને નથુ - એ ત્રણે જણાંને તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવું થઈ ગયું. ત્રણેને એમ લાગ્યું કે, રૂપીએ માવતરની આગળ પોતાનું દુઃખ ગાયું હશે. રૂપીના બાપે નથુને ગૂંજે થોડા રૂપિયા ઘાલ્યા અને છૂટાછેડાનું લખણું કરાવી લીધું. તે દિવસના નથુના ઘરબારમાંથી રામ ઊડી ગયા. ધાનનો કોળિયો કોઈને ભાવતો નથી. નથુને મનસૂબા ઊપડે છે.

સારા સુખી ઘરનો એક જુવાન મેર ગોતીને માબાપે રૂપીનું નાતરું કર્યું. રૂપીને તો રૂંવે રૂંવે આગ ઊપડી, પણ ગભરુડી દીકરી માવતરની ધાક અને શરમમાં દબાઈ ગઈ. એની છાતી ઉપર કોઈ મોટી શિલા જાણે ચંપાઈ ગઈ.

પિંજરમાં પુરાતી સારિકા થોડી વાર જે ચિચિયારી કરે તેમ રૂપીએ વિલાપ કર્યો કે “મને નથુ પાસ જાવા દિયો. મારે નાતરે નથ જાવું.”

એનું કલ્પાંત કોઈએ ન સાંભળ્યું. એ મૂરખી છોકરીને માવતરે સુખનું થાનક ગોતી દઈ એના હાથ ઝાલ્યા અને ગાડે