પૃષ્ઠ:Rasdhar4.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
સૌરાષ્ટ્રની રસધાર
 

નાખી. રૂપી કેમ કરીને રોવા મંડે? ઘૂમટા વગર સ્ત્રી બિચારી પોતાનું રોણું સંતાડે શી રીતે? મેરની દીકરીને ઘૂમટો ન હોય.

ચોથે દિવસે રૂપી ભાગીને પાછી આવી અને ચીસ પાડી ઊઠી કે, “નૈ જાઉં ! નૈ જાઉં ! મારા કટકા કરી નાખશો તોયે બીજે નહીં જાઉં. મને નથુ પાસે મેલો.”

માવતરે માન્યું કે બે દિવસ પછી દીકરીનું મન જંપી જશે.

રૂપી પાણી ભરવા જાય છે. પાદર થઈને કંઈક વટેમાર્ગુ નીકળે છે. કયો માણસ કયે ગામ જાય છે એટલું પૂછ્યા વગર રૂપી સહુને કહે છે :

“ભાઈ, બાપોદરમાં નથુ મેરને મારો સંદેશ દેજો ને કે, સોમવારે સાંજે મને નદીની પાળ પાસે આવીને તેડે જાય; ત્યાં ઊભી ઊભી હું એની વાટ્ય જોઈશ !”

વટેમાર્ગુ બે ઘડી ટાંપીને હાલ્યા જાય છે. બોલતાં જાય છે કે ‘ફાટ્યું લાગે છે !’

સોમવારે બપોરે રૂપીએ લૂગડાંનો ગાંસડો લીધો “મા હું ધોવા જાઉં છું.”

માએ માન્યું, ભલે મન જરી મેકળું કરી આવે.

ફૂલ જેવાં ઊજળાં લૂગડાં ધોઈ, માથાબોળ નાહી, લટો મોકળી મેલી, ધોયેલ લૂગડાં પહેરી, ઘૂનાને કાંઠે લાંબી ડોક કરી કરીને મારગ માથે જોતી રૂપી થંભી છે. ક્યાંય નથુડો આવે છે? ક્યાંય નથુની મૂર્તિ દેખાય છે? એની તો હાલ્ય જ અછતી નહીં રહે; એ તો હાથી જેવો ધૂળના ગોટા ઉડાડતો ને દુહા ગાતો ગાતો આવશે !

નહીં આવે ? અરે, ન આવે કેમ? સંદેશા મોકલ્યા છે ને ! કેટલા બધા સંદેશા !

સૂરજ નમવા મંડ્યો, પણ નથુડો ન આવ્યો. સાંજના