પૃષ્ઠ:Rasdhar4.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઓળીપો
૬૯
 

લાંબા લાંબા ઓછાયા ઊતરવા લાગ્યા, તોય નથુડો ન આવ્યોવે. પંખી માળામાં પોઢ્યાં, ગૌધન ગામમાં પહોંચ્યું, ઘૂનાનાં નીર ઊંઘવા લાગ્યાં, ઝાડ-પાંદડાંને જંપવાની વેળા થઈ, તોય નથુડો ન આવ્યો. ઘોર અંધારું થઈ ગયું તોય નથુડો ન જ આવ્યો. અરેરે, નથુડાનું હૈયું તો કેવું વજજર જેવું ! એને મારી જરાય દયા ન આવી?

“રૂપી ! રૂપી ! રૂપી !” એવા સાદ સંભળાણા. રૂપી ચમકી : કોના સાદ? નથુના? ના, ના, આ સાદ તો ગામ ભણીથી આવે છે. સાદ ઢૂકડા આવ્યા. “આ સાદ તો મારી માના. મારી મા મને ગોતવા આવે છે.”

“નથુ, તેં તો મારી સાતમ બગાડી ! અરે ભૂંડા, સંદેશાય ન ગણકાર્યા ! પણ હું હવે પાછી ક્યાં જાઉં? હવે જે આવ્ય તો એક વાર ઘૂનો ડખોરી જોજે. હું જીવતી હઈશ તે આપણે એકબીજાના હાથના આંકડા ભીડીને ભાગે નીકરશું.”

“રૂપી ! રૂપી ! રૂપી !" ગામને માર્ગેથી માતાના સાદ આવ્યા. જવાબમાં ‘ધુમ્બાંગ !’ દેતી રૂપી ઘૂનામાં કૂદી પડી. ઓઢણામાં બાંધેલા પથ્થરોએ એને તળિયે સંતાડી રાખી. પણ નથુડો તો ન જ આવ્યો.

“રૂપી ! રૂપી ! રૂપી !” પોકારતી મા ઘૂનાના કાંઠે આવી. રાતનાં નીર બડબડિયાં બોલાવતાં જાણે હાંસી કરતાં હતાં કે, ‘રૂપીની મા ! દીકરીને ઓળીપાના દુઃખમાંથી બરાબર ઉગારી, હો !’