પૃષ્ઠ:Rasdhar4.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

મામા ! આ રૂપિયા."

આખા દાયરાને ખબર પડી કે સસરાએ ગરીબ જમાઈને આપઘાત કરવા જેવો મામલો ઊભો કર્યો હતો. ફિટકારો દેતા દેતા ગરાસિયા દાયરામાંથી ઊભા થઈ ગયા. સાસરિયાનાં મોં શ્યામ બન્યાં અને ઓરડાને ખૂણે આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસાવતી કન્યા કંપવા લાગી કે “નક્કી, મારાં માવતરનું વેર મારો ધણી મારા ઉપર જ ઉતારશે !”

સસરાના ગામનાં ઝાડવાને છેલ્લામાં છેલ્લા રામ રામ કરી, રજપૂતાણીને વેલડામાં બેસાડી, રજપૂત પોતાને ઘેર લઈ ગયો. ધડકતે હૈયે રજપૂતાણી ઓરડામાં દાખલ થઈ. એ ઘર નહોતું, સ્મશાન હતું. જેને લૂગડે જરીયે રજ નહોતી અડી એવી લાડમાં ઊછરેલી જોબનવંતીએ આવીને તરત હાથમાં સાવરણી લીધી. સાસુ-સસરા કે દેરનણંદ વિનાના સૂનકાર ઘરને વાળ્યું. ફરી ફરી વાળ્યું. ઓરડો આભલા સરખો ચમકી ઊઠ્યો. પચીસ પચીસ વરસ પૂર્વે પોતાની સાસુએ હાથે ભરેલા હીરના ચંદરવા ભીતો ઉપર લટકતા હતા, એના ઉપર ઝાપટ મારીને રજ ખંખેરી. ઓરડામાં હજારો નાનાં આભલાને ઝગમગાટ છવાઈ ગયો.

રાતે સ્વામી પાસે બેસીને મોતીનો વીંજણો ઢોળતાં ઢોળતાં રજપૂતાણીએ થાળી જમાડી. ધરતીઢાળું મોઢું રાખીને અબોલ રજપૂતે વાળુ કરી લીધું. પિયરથી આણામાં આવેલી આકોલિયાના રૂની રેશમી તળાઈ બિછાવીને એરંડીના તેલનો ઝાંખો દીવડો બાળતી બાળતી રજપૂતાણી પથારીની પાંગત ઉપર વાટ જોતી બેઠી. સ્વામી આવ્યો, પથારીમાં તલવાર ખેચીને પોતાની અને રજપૂતાણીની વચ્ચે ધરી દીધી, પીઠ ફેરવીને એ સૂતો. પથારીને બીજે પડખે રજપૂતાણીએ પણ પોતાની કાયા લંબાવી.