પૃષ્ઠ:Rasdhar4.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દસ્તાવેજ
૭૩
 

ઉઘાડી તલવાર આખી રાત વચ્ચે પડી રહી. નાનકડી એક તલવાર : કરોડો ગાઉનું અંતર !

એવી એવી રાતો એક પછી એક વીતવા લાગી. આખો દિવસ એકબીજાની આંખોમાં અમી ઝરે છે. અબોલ પ્રીતિ એકબીજાના અંતરમાં સાતતાળીની રમતો રમે છે. અને છતાંયે રાતની પથારીમાં ખુલ્લી તલવાર કાં મુકાય? રજપૂતાણી આ સમસ્યા કેમેય કરીને ઉકેલી ન શકી. એણે જોયું કે ઠાકોરના આચરણમાં પોતાની પ્રત્યે રીસની એકેય નિશાની નથી. સાથે જ પોઢવા આવે છે. કંઈ પરીક્ષા કરતો હશે? મર્દાનગીમાં કંઈ ખામી હશે? કંઈ મંત્ર સાધતો હશે? કંઈ ન કળાયું. હૈયું વીંધાવા લાગ્યું. અમીનો કટોરો જાણે હોઠ પાસે આવીને થંભી ગયો છે.

એક, બે કે ત્રણ રાતો વીતી. ચોથી રાતે ઠાકોર આવ્યા. સૂતા. રજપૂતાણ ભીંતને ટેકો દઈને ઊભી રહી. મધરાત થઈ તોયે જાણે આંખનો પલકારો માર્યા વિના મીણની આકૃતિ જેવી એ ઊભી છે.

ઠાકોર બેલ્યા : “કેમ ઊભાં છો?” રજપૂતાણીની આંખમાંથી ડળક ડળક આંસુ નીકળી પડ્યાં.

“કેમ આંસુ પાડો છો ? પિયરિયું સાંભરતું હશે !”

“બહુ થયું, ઠાકોર ! હવે તે હદ થઈ. પિયરિયાનું વેર શું હજીયે નથી વળી રહ્યું?'

“તમારે કહેવું છે શું?”

“તમે રજપૂત છો, તેમ હું પણ રજપૂતાણીનું દૂધ ધાવી છું. આખું જીવતર તલવારનાં અંતર રાખો ને ! નહીં બોલું.”

“ત્યારે આ શું કરે છે ?”

“ફક્ત તમારા અંતરનો ભેદ જાણવા માગું છું. તમારા મારગમાં આડી આવતી હોઉં તો ખસીને મારગ દઉં.”