પૃષ્ઠ:Rasdhar4.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

વખતસર એ સાવજના ડાચામાં કોનું ભાલું પેસી ગયું?

એ ભાલું રાજબાનું હતું. સાવજ સોંસરો વીંધાઈ ગયો.

તે દિવસથી બેય રજપૂતને બાદશાહના શયનગૃહની અટારીનો પહેરો સેંપાયો. આખી રાત ચોકી દેતાં દેતાં એ રજપૂતોને એક વરસ વીત્યું, હજી વાણિયાના હજારનો જોગ નહોતો થયો.

અષાઢની એ મેઘલી મધરાત ગળતી આવે છે. વરસ વરસનાં વિજોગી વાદળાં આભમાં જાણે અણધાર્યા સામાં મળ્યાં અને એકબીજાને ગળે બાથ ભીડીને પથારીમાં પડ્યાં છે. નયનમાંથી પ્રેમનાં આંસુ નીતરતાં હોય તેવાં વરસાદનાં ફોરાં ટપક ટપક ધરતી ઉપર પડે છે. એ મધરાતનાં મૂંગાં-મધુરાં આલિંગન જાણે કે કોઈ જોતું નથી. માત્ર કોઈ કોઈ નાનકડું ચાંદરડું જ એ મેઘાડંબરના મહેલની ઝીણી ચિરાડમાંથી એની તોફાની આંખ તગતગાવીને નીરખતું મલકી રહ્યું છે. તમરાંના લહેકારની સુરીલી જમાવટ વાદળાંની ઘેરાતી આમાં મીઠી નીંદર ભરી રહી છે. એકબીજાને બચ્ચી લેવાતાં, પ્રીતની ધગધગતી ગરમી પરજળી ઊઠે તેવી જાણે કે વીજળી વ્રળકે છે. સામસામાં હૈયાં દબાતાં ‘હાશ ! હાશ !’ના ઉદ્‌ગાર વછૂટે, તે જાણે કે ધીરા ગડગડાટને રૂપે આખા વિશ્વની અંદર સૌને કાને પડે છે.

તેવે વખતે ઝરૂખાની પરસાળમાં ચોકી દેતા બે રજપૂતોની કેવી ગતિ થઈ રહી હતી? થાંભલીને ટેકો દઈને ઊભેલા ઠાકરની આંખ જરાક મળી ગઈ. હાથમાં ભાલા સોતો એ ઊભો ઊભો જ જામી ગયો. ઠકરાણી એકલી ટે‌’લે છે. એની આંખ આભમાં મંડાઈ ગઈ છે. એને સાંભર્યું કે અષાઢ આવ્યા, બીજે અષાઢ આવ્યું. બાર મહિના વીત્યા. આખા સંસારમાં આજ જાણે કોઈ એકલું નહીં હોય ! વિજોગણ હું એકલી !