પૃષ્ઠ:Rasdhar4.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દસ્તાવેજ
૭૭
 

રંગભીનો સામે ઊભો છે તે જાણે સો જોજન આઘે ઊભો છે.

વાદળાંના ગડગડાટ સાંભળ્યા. વીરાંગના કોઈ દિવસ નહોતી ડરી — સાવજની ત્રાડથીયે નહોતી ડરી — તે આજે ડરી. દોડી સ્વામીને ભેટવા. તસુ એકનું અંતર રહેતાં થંભી. પચાસ ગાઉ આઘેના એક નાના ગામડામાંથી વાણિયાએ જાણે આંચકો માર્યો. આખો સંસાર જાણે કે એને ધક્કો મારવા ધસી આવ્યો. એ ઊભી રહી. ઊંઘતા કંથના મોં ઉપર એણે શું જોયું? કદી નહોતું જોયું તેવું રૂપ ! વિયોગી, વેદનાભર્યું અને રિબાતું રૂપ !

પાછાં ડગલાં દેવા લાગી. રૂપ જોતી જાય, પાછાં ડગલાં દેતી જાય, અને વાદળાંની મસ્તી સાંભળીને જાણે એના પગ ઘરતી સાથે જડાતા જાય.

વીરત્વ બધું જાણે એની છાતી ભેટી, બખતર ભેદી નિસાસાને રૂપે બહાર આવ્યું. એક નિસાસો ! એક જ ! નિસાસો કેટલો તોલદાર હશે ! ધરતી ઉપર જાણે ધબ દઈને નિસાસો પડ્યો. આભમાં અજવાળું હોત તે એ દેખાત.

કઠોડા ઉપર હાથની કોણી ટેકવી અને હથેલીમાં ડોલર જેવું મોં ઘાલી રજપૂતાણી ઊભી રહી. બપૈયો જાણે સામેથી કંઈક સમસ્યાનો દુહો બોલ્યો. ‘પિયુ ! પિયુ ! પિયુ !’ ના પડછંદા ગાજી ઊઠ્યા. ઠકરાણીએ સમસ્યાના જવાબમાં દુહો ઉપાડ્યો. સાતે આકાશનાં અંતર જાણે ભેદાવા લાગ્યાં:

દેશ વીજાં, પિયુ પરદેશાં, પિયુ બંધવારે વેશ,
જે દી જાશાં દેશમેં, (તે દી) બાંધવ પિયુ કરેશ.

મારા દેશમાં આજ વીજળી થાય છે, પણ પ્રિયતમ તો પરદેશમાં છે. અરે, મારી પડખે જ છે. પણ મારા ભાઈને વેશે ! જે દિવસ રૂપિયા કમાઈને દેશમાં જઈશું ત્યારે જ એને બાંધવ મટાડી પતિ બનાવીશ. ત્યાં સુધી તે ભાઈ-બહેનનાં સગપણ સમજવાં.