પૃષ્ઠ:Rasdhar4.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દસ્તાવેજ
૭૯
 


ગઈ રાતે જેના અંતરના બંધ તૂટી પડ્યા હતા, તે વિજોગણ રજપૂતાણી પોતાના પુરુષ વેશનું ભાન હારી બેઠી. આકુળવ્યાકુળ બનીને બોલી ઊઠી : “એ...એ દૂધ ઊભરાય!”

ઠાકોરે એના પડખામાં કોણી મારીને કહ્યું: “તારા બાપનું ક્યાં ઊભરાય છે?”

પણ ભેદ બહાર પડી ગયો. બાદશાહ બંનેને બેગમના ખંડમાં તેડી ગયો. બેગમે મોં મલકાવીને પૂછ્યું: “બોલો, બેટા, તમે બંને કોણ છો ? સાચું કહેજો. બીશો નહીં. અભય-વચન છે.”

ગરાસણીના ગાલ ઉપર શરમના શેરડા પડી ગયા, એનાં પોપચાં ઢળી પડ્યાં. ઊઠીને એણે અદબ કરી ! દીવાલની ઓથ આડે એણે પોતાની કાયા સંતાડી દીધી.

ગદ્‌ગદ કંઠે ગરાસિયાએ ખાનગી ખોલી. વાણિયાના દસ્તાવેજની વાત કહી. “વાહ રજપૂત ! વાહ રજપૂત !” ઉચ્ચારતો બાદશાહ મોંમાં આંગળી નાખી ગયો. એણે કહ્યું: “તમે મારાં બેટા-બેટી છો. હું હમણાં જ તમારે ગામ વાણિયાને રૂપિયા મોકલાવું છું. તમે બેઉ જણ મારા બીજા મહેલમાં રહો. આજે મારે ઘેરથી જ ઘરસંસાર શરૂ કરો.”

ત્યાં તો બેગમ દોડી. પોતાની પાસે રજપૂતાણીના મહામોલા પોશાક હતા તે લઈને હાજર કર્યા. ઠકરાણીને કહ્યું : “બચ્ચા, આ પહેરી લે.”

બેય જણાંની આંખમાં આંસુ વહેતાં થયાં. અંજલિ જોડીને બેઉ બોલ્યાં :

“અન્નદાતા, અમારાં સાચાં માવતર તમે જ છો; પણ અહીં આ વાત નહિ બને. અમે પોતે જ જ્યારે વાણિયાની પાસે જઈને નાણાં ચૂકવીએ, દસ્તાવેજનો કાગળિયો હાથે હાથ લઈ ચીરી નાખીએ, ત્યારે જ અમારાં વ્રત છૂટશે.”