પૃષ્ઠ:Rasdhar4.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



સંઘજી કાવેઠિયો

“આવો, આવો, પટેલીઆવ ! કયું ગામ ?”

“અમે સરોડેથી આવીએ છીએ, બાપુ !”

બથમાં ન માય એવા શેરડીના ત્રણ ભારા માથા ઉપરથી ઉતારીને ત્રણ કણબી પગે લાગ્યા: “અમારા આતા રાઘવ પટેલે ડાયરાને ચખાડવા સારુ આ શેરડીના સાંઠા મોકલ્યા છે.”

“ઓહો ! આ તો સાબરકાંઠો. ત્યારે તો આ માતાજીના અમૃતની પ્રસાદી.”

"હા, બાપુ,” પટેલ બોલ્યા, “પહેલી મહેર તે સાબરમાતાની અને બીજી અમી-નજર તમ જેવા ધણીની; એટલે અમારી બાર બાર મહિનાની કાળી મહેનત ફળી છે. મારા આતાએ કહેવરાવ્યું છે કે ‘બાપુ! મારા આ કાંડા જેવા ધીંગા સાંઠા દોઢ દોઢ માથડાં ઉપર ડોકાં કાઢી ગયા છે, અને મણ મણના તોલદાર સાંઠા ઊભા ને ઊભા ફસડાઈ પડે છે. રોગો પોપટિયો મહાસાગર જાણે હિલોળે ચડ્યો છે, હે બાપુ ! માટે પગલાં કરો.' આ મારા આતાની ચિઠ્ઠી !”

"હાં હાં, પટેલીઆવ, ઝાઝાં વખાણ રહેવા દો; રાજાઓનાં પેટમાં પાપ જાગે. લાવો કાગળિયો.”

સાણંદ ગામના દરબારગઢની કચેરીએ વાઘેલા સામંતના દાયરા વચ્ચે વીંટળાઈને આજથી ચારસો વરસ ઉપર એક ફાગણ મહિનાને દિવસે કુંવર કરણસંગજી બિરાજેલા છે. સરોડાના પટેલના દૂધમલ દીકરા શેરડીના ત્રણ ભારા લઈને દરબારનું

૮૧