પૃષ્ઠ:Rasdhar4.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

મોં મીઠું કરાવવા આવ્યા છે. સાબરકાંઠાની ધોળી શેરડી દેખીને દાયરાના મોંમાં પાણી વછૂટેલ છે. સજેલી છરીઓ કાઢીને તમામ દાયરો દરબાર કાગળ પૂરો કરે તેની વાટ જુએ છે. કાગળ વાંચીને દરબારે શેરડીના ભારા સામે જોયું. જોઈને પૂછ્યું :

“ત્રણ ભારા કેમ? આમાં તો પાંચ લખ્યા છે !"

પટેલ બોલ્યો : “બાપુ, ડેલીએ સંઘજી કાકે બે ભારા ઉતરાવી લીધા છે; નાનાભાઈ ત્યાં બેઠા છે એટલે દાયરાને ખાવા સારુ રાખ્યા છે.”

"હા જ તો ! સંઘજી કાકાનો દાયરો તો સહુથી પહેલાં હકદાર ગણાય ને બા !” એમ કહીને એક અમીરે દીવાસળી મૂકી.

"ને,” બીજાએ ટહુકો પૂર્યો : "કાકો ભાગ પાડવાની રીત પણ સમજે છે, બાપ ! બે ભાઈની વચ્ચે ત્રણ-દુ ભાગે જ શેરડી વે’ચવી જોવે ને? એમાં કાંઈ અંચી કે અન્યાય હાલે? કાકો ચતુરસુજાણ સાચા ! નાની-મોટી બાબતમાં એની હૈયાઉકલત તો હાજરાહજૂર !”

આવા મર્મ થતા જાય છે તેમ તેમ દાયરો જોતો જાય છે કે કરણસંગજીના અરીસા જેવા જુવાન ચહેરા ઉપર કાળા પડછાયા પથરાઈ રહ્યા છે. એની આંખો શેરડીના ભારા ઉપર મંડાઈ ગઈ છે. ત્યાં ત્રીજા પડખિયાએ ત્રીજો સૂર સંભળાવ્યો :

"બાપુ! એક દિવસ એ જ ન્યાયે કાકો રાજનીયે વે'ચણ કરાવશે. કાકાના કલેજાની વાત આફરડી આફરડી બહાર નીકળી પડી છે. કાકાના તો ઘટ ઘટમાં રણછોડરાયજી રમી રહ્યા છે, રાજનું અમંગળ કાકા કદી વાંછે નહિ. પણ ત્રણ-દુ ભાગે બરાબર વે'ચણ કરાવશે !”

કરણસંગજીના ચહેરા ઉપર ત્રણ-દુ ભાગની સમસ્યા ચોખ્ખે-ચોખી ચીતરાઈ ગઈ. ભારા ઉપરથી એણે નજર સંકેલી લીધી. એણે આજ્ઞા દીધી : “કાકાને જરાક બોલાવજો તો !”