પૃષ્ઠ:Rasdhar4.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

ગોઠવ્યા. "મેં સમસ્યા કરી ? બે અને ત્રણ ભારાની શું મેં વેં'ચણ કરી? ભાઈ, તમે શું બોલો છો?”

"કાંઈ નહિ, કાકા, જાઓ. મેળાને હવે તમે તમારું ચાલે તો બે ભાગ અપાવી દેજો. પધારો, કાકા !”

દિગ્મૂઢ બુઢ્ઢાની આંખમાંથી પાણી વહેતાં થયાં. મેળાજીના ખભા ઉપર લીધેલો ટેકો ઓછો પડ્યો એટલે તલવારની મૂઠ ઝાલીને ધરતીને માથે બીજે ટેકો લીધો. કાયા વધુ ને વધુ કંપવા, વધુ ને વધુ નમવા મંડી.

"હવે રહી રહીને જાકારો દઈશ, મારા અન્નદાતા? આ ખોળિયું આટલે વર્ષે જાતું હવે ભારે પડ્યું, ભાઈ? રે'વા દે બાપ, સાણંદની ઢાંકેલઢૂંબેલ આબરૂ સંસારમાં ઉઘાડી પડી જાય છે. રે'વા દે! સમજ કે મારી ભૂલ થઈ.”

આખો દાયરો એકસામટે ગરજી ઉઠયો કે “હવે કાકા, પછેં એક વાર કહ્યું, બે વાર કહ્યું, તોયે ન સમજીએ? નાહક વહાલામાં વેર કરાવી રહ્યા છો તે ! હવે રે'વામાં નહિ તમારું માત્યમ કે નહિ રાજનું માત્યમ !”

સંઘજીની આંખ બદલી. આંસુ થંભી ગયાં. નમેલી કાયા પલકમાં ટટ્ટાર થઈ ગઈ. ચારે બાજુ બેઠેલ દાયરાનાં મોં વાંચી લીધાં.

અને પછી કરણસંગ ઉપર નજર નોંધીને પૂછ્યું: “બાપ, ડોસાને કૂતરાં પાસે ફાડી ખવરાવ્યો ?”

"જાઓ, કાકા!” કુંવર બોલ્યો.

"પીંછડાં વિનાનો મોર શોભશે કે ?”

"તમારું ચાલે તો પીંછડાં વીંખી નાખજો; જાઓ !"

"બસ, મને ભૂંડો લગાડવો છે? મારા ધેાળામાં ધૂળ નાખવી છે?”

"જાઓ, કાકા, આજના જેવી કાલ્ય નહિ ઊગે.”