પૃષ્ઠ:Rasdhar4.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંઘજી કાવેઠિયો
૮૫
 

 "લે ત્યારે, હવે જાઉં છું; રામ રામ, ભાઈ ! આશા હતી કે ચાર-છ મહિને મારા કરણને સાચું સમજાશે, આશા હતી કે ખટપટનાં વાદળાંને ચીરીને મારો કરણ – મારો સૂરજ બહાર નીકળશે. અને તે દી હું આ ગરીબડા ઓશિયાળા મેળાજીને તારે ખોળે બેસાડીને મારો સાથરો વધારીશ; પણ હવે, રામ રામ ! ભર્યા રાજમાંથી નાના ભાઈને ભાઠાળી એક ટારડી તેં આપી'તી, એનાં ભાઠાં મેં આજ લગી આશાએ ધોયાં, પણ તારાથી એ સહ્યું જાતું નહોતું એ વાત આજે સાચી પડી. મેળાને માથે માથું ડગમગતું હતું, મેળાની થાળીમાં ઝેરની કણીઓ ઝરતી હતી, મેળાને રહેવા આપેલ ઝૂંપડાં પણ તને ખટકતાં હતાં, તે હું સાચું માનતો નહોતો. પણ આજ તે મને માણસાઈ શિખવાડી. મારે રૂંવે રૂંવે સાણંદની રાબ છાશ ભરી છે એની મને આડી હતી. સામધર્મની મને દુહાઈ હતી. હું એક પછી એક ઘૂંટડા ગળ્યે જાતો હોત; પણ હવે રામ રામ ! અને–અને આજ જાતો જાતો હું આ તારા પડખિયાઓને કહેતો જાઉં છું કે હવે તે ત્રણ-દુ ભાગે નહિ, પણ અરધોઅરધ સરખે ભાગે તારી ને મેળાજીની વચ્ચે વે'ચણ થાશે.”

કરણસંગથી ન રહેવાયું. એણે પોતાની તલવાર લાંબી કરીને કહ્યું: “આ લેતા જાઓ, કાકા ! એક બાંધો છો અને આ બીજીયે ભેળી બાંધતા જાઓ !”

“તું શું બંધાવીશ? દ્વારકાનો ધણી બંધાવશે.”

શેરડીના થાળ સુકાતા રહ્યા. સાવજ કેશવાળી ખંખેરે તેમ માથું ધુણાવતો ડોસો ‘દ્વારકેશ! દ્વારકેશ !’ કહેતો મેળાજીને લઈ વળી નીકળ્યો. આવરદાનાં સાઠ વરસ એક જ ઝપાટે પાછાં હટી ગયાં હોય એમ સીધો સોટા જેવો કાયાનો દમામ કરીને સંઘજી ચાલ્યો આવે છે. બેસી ગયેલી છાતી આગળ ધસી આવી છે.