પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હે અર્ક ! પૃથ્વી ઉપર તારો ઉદય થતાં તો અંધકાર ઊતરી જાય છે. અને દેવાલયોમાં ઝાલરના ઝંકાર થાય છે.

તારાં અજવાળાં તણો
મે’મા કાંઉ મા’રાજ,
અયણું ચારણ આજ,
કીં રે’ કાશપરાઉત !


હે મહારાજ ! તારા પ્રકાશનો મહિમા તો હવે મારે કેટલાક ગાવો ? તું આવો મહિમાવંત છતાં શું આજ આ ગરીબ ચારણ એક ભેંસ વિનાનો રહેશે? અરે, રહે કદી?

સૂરજ સાંભળતલ થિયો.
જગની રાવ જકે,
ચારણ છાશ પખે,
કીં રે' કાશપરાઉત!


આખા જગતની રાવ સાંભળવા જ્યારે સૂર્ય જેવો દાતાર બેઠો છે ત્યારે ચારણ છાશ વિના રહે કદી? ચારણને છાશ ખાવા જરૂર એક દુઝાણું સૂરજ દેશે.

સવારે ઊઠેં કરે
કરે સૂરજની આશ,
(એને) ગોરસ રસ ને ગ્રાસ !
દેશે કાશપદેવઉત !


સવારે ઊઠીને જે સૂર્યની આશા કરશે તેને ગોરસ, બીજાં રસવાળાં ખાદ્યો અને ગરાસ એ કશ્યપનો કુમાર બક્ષશે.

ચોખા મગ તલ જવ ચણા
બાજ ઘઉં બોળા,
સૂરજ સવરોળા,
દેજો કાશપદેવાઉત !


હે કશ્યપદેવના કુમાર ! હે સવરોળા (કૃપાવંત) સૂર્ય ! અમને ચોખા, મગ, તલ, ગોળ, ચણા ને બહોળા ઘઉં-બાજરા દેજો.

[10]