પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
88
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

થઈ!”

સાજણ ચાલ્યાં સાસરે, આડાં દઈને વન,
રાતે ન આવે નીંદરા, દીનાં ન ભાવે અન્ન.
 દીનાં ન ભાવે અન્ન તે કોને કહીએં?
 વાલાં સજણાંને વેણે વળગ્યાં રહીએં.

સાંજનું ટાણું છે. દેવરો પોતાના ઘરની ઓશરીએ બેઠો છે. ડોશી આવીને પૂછે છે કે “ગગા, આજ તો તારા સારુ જારનો ખીચડો મેલું છું, ભાવશે ને?'

“માડી, મને ભૂખ નથી લાગી.”

“ભૂખ કેમ ન લાગે, બેટા? ફડશ રોટલો લઈને સીમમાં ગ્યો'તો, એમાં શું પેટ ભરાઈ ગ્યું?”

“પણ, માડી, હમણાં મને પેટમાં ઠીક નથી રે'તું.”

"બાપુ ! ગઈ વાતને પછેં ભવ બધો સંભાર્યા જ કરાય? હવે તથ્યા મેલી દે ને એ વાતની !”

“ના, મા, એવું કાંઈ નથી.” એટલું બોલતાં દેવરાને ગળે ડૂમો ભરાઈ આવ્યો.

દેવરાની બે જુવાન બહેનો ઓશરીના ખારણિયામાં ખીચડો ખાંડતી હતી; તેમની આંખમાં પણ ભાઈનું ગળેલું શરીર જોઈ જોઈને ઝળઝળિયાં આવી ગયાં.

"ઠીક, માડી, ખીચડો કરજો, સહુ ભેળાં બેસીને આજ તો ખાશું.”

“બસ, મારા બાપ !” ડોશીને તો જાણે બારે મેઘ ખાંગા થઈ ગયા.

બરાબર એ ટાણે એક બાવો ને બાવણ એકતારો વગાડતાં ચાલ્યાં આવે છે, ને ભજનનાં વેણ સાંભળીને દેવરાના કાન ચમકે છે: