પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રતન ગિયું રોળ!
95
 

ખરીને નદીઓનાં પાણી જાંબુવરણાં કરી મૂકે છે. ડુંગરની ધારો ઉપરથી મોરલાને ગરદન ફુલાવીને ગહેકાટ દેતાં જેમ ચારણે જોયા, તેમ તો એનો પ્રાણ ગગન સુધી છલંગો મારીને છકડિયા દુહા ફેંકવા લાગ્યો:

આષાઢ વરસે એલીએ, ગાજવીજ ઘનઘોર,
તેજી બાંધ્યો તરુવરે, મધુરા બોલે મોર
 મધુરા બોલે મોર તે મીઠા
 ઘણમૂલાં સાજન સપનામાં દીઠાં,
કે’ તમાચી સુમરો, રિસાણી ઢેલ ને મનાવે મોર,
આષાઢ વરસે એલીએ, ગાજવીજ ઘનઘોર.

એમ છકડિયો પૂરો કરીને ચારણ પોતાની પડખે ચાલી આવતી ‘ઢેલડી’ સામે જુએ છે. બન્નેનાં મોં સામસામાં મલકે છે, અને સામેથી ચારણી દુહો ઉપાડે છે કેઃ

મોર મારે મદૈ[૧] થિયો, વહરાં કાઢે વેણ,
ગરી તેની ગહકે ગરવો ગજે, સૂતાં જગાડે સેણ.
સૂતાં જગાડે સેણ તે મોરલો ઊડી ગિયો,
વાલાં સાજણનો સંદેશો અધવચ રિયો,
પાંખો પીળી પોપટની ને કોયલ રાતે નેણ,
મોર મારે મદૈ થિયો ને વહરાં કાઢે વેણ.

એવાં ગીત લલકારાય છે, ને ડુંગરાના ગાળા સામે ગાવા લાગતા હોય તેમ ગુંજી ઊઠે છે. ધણી ને ધણિયાણી બન્ને ચારણઃ બન્નેની જીભે સરસ્વતી: બન્નેને મુખે કવિતાનાં અમૃત ઝરે છે.

"ચારણ્ય! કેમ જાણે અષાઢની રાતમાં આપણે વિખૂટાં પડીને ગાતાં હોઈએ, એવો રંગ મચ્યો છે, હો!”

“અરે ચારણ, આ તો પારકી વાણી: આમાં ઓલ્યો સાચો સંવાદ ન આવે – હું મરી ગઈ હોઉં ને તું મરશિયા ભણતો હતો, એવો સવાદ!”

“અરે, તું મરી જા તો તો હું ઝાડવાં રોવરાવું, ખબર છે? મરી તો જો એક વાર!”


  1. 1. દુશ્મન