પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
96
સૌરાષ્ટ્રની સરધાર : 5
 


“હું મરીને પછી ક્યાંથી તારાં ઝાડવાંનાં રોણાં જોવા આવવાની હતી?”

એવા કિલ્લોલ થઈ રહ્યા છે, ત્યાં એક પહોળા પટવાળી નદી આવી. નદીમાં આછો આછો પ્રવાહ ચાલ્યો જાય છે, કાંઠે હાંડા જેવું રૂપાળું ગામડું શોભી રહ્યું છે, અને સાંજને સમયે પનિહારીઓ પોતાને માથે અધ્ધરપધ્ધર પાણીની મોટી હેલ્યો માંડીને નદીમાં ઊંચા ઊંચા ભેડાનો ચડાવ ચડી રહી છે. એ ચડાવના થાકથી રાતાચોળ થયેલા મોઢા ઉપર આષાઢના આથમતા સૂર્યની કેસૂડાંવરણી છાયા છવાય છે, અને ભેખડો ઉપર કોઈ અજબ જાતનાં ફૂલઝાડ સીધે સોટે એકસામટાં ઊગી નીકળ્યાં હોય એવો ઠાઠ મચી જાય છે.

ભેંસ પાણી પીએ છે, ચારણી એના ભીનલા પગના પોંચા ધોઈને કાદવ ઉખેડે છે, અને ચારણ નદીના કાંઠાના લોકને પૂછે છેઃ “ભાઈ, ગામના દરબાર કોણ છે?”

જવાબ મળ્યો કે “બાપુ પોરસો વાળો.”

“કેવાક માણસ છે?”

“ગુલાબી દિલના.”

“વાસ રાખશે?”

“માલધારીને કોણ ના પાડે ?”

“ઠીક, ચારણ્ય, તું આસેં વેકરામાં ઊભી રે’જે હો, ને ભીંસને સાચવજે. હું અબઘડી હડી કાઢતો ગામમાં જઈને દરબારને મોઢે થૈ આવું. જો હા પાડશે તો આપણે સહુ ગામમાં જિશું. નીકર સામે ગામ તોળાં માવતર છે તીસે પોગી જિશું.”

"ઠીક ચારણ, હું ઊભી સાં.”

“પણ જોજે હો, આસેં જ ઊભી રેજે. આઘીપાછી થાતી નૈ, નીકર હું બોકાસાં દેને કિસેથી બોલાવીશ? અને વળી અજાણ્યું ગામ છે.”

“ભલે, ચારણ, નઈ ખસાં.”

ફરી વાર ચારણે પાછા વળીને ભેખડ ઉપરથી સાદ કર્યો: “ભણે ચારણ્ય! ખસતી નૈ હો, અજાણ્યું ગામ છે.”