પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સૂરજથી ધન સાંપડે,
સૂરજથી ધણ્ય હોય,
સૂરજ કેરે સમરણે,
દોખી ન લંજે કોય.

સૂર્યની મહેરથી દ્રવ્ય મળે, સ્ત્રી મળે; એનું સ્મરણ કરીએ એટલે દુશ્મન પણ ઇજા ન કરી શકે.

સૂરજ ને શેષનાગ,
બેય ત્રોવડ કે’વાય
એકે ધરતી સર ધરી,
એકે ઊગ્યે વાણું વાય.

સૂર્ય અને શેષનાગ બંને સરખા શક્તિમાન કહેવાય; કેમકે શેષનાગ ધરતીને શિર પર ઉપાડે છે, તો સૂર્ય ઉદય થાય છે ત્યારે જ સવાર પડી શકે છે.

કે’ દાદર કે’ ડાકલાં
કે પુંજે પાખાણ,
રાત ન ભાંગે રાણ,
કમણે કાશપરાઉત!

કોઈ મનુષ્યો કાળજી કરીને અમુક દેવતાનું આરાધન કરે; કોઈ વળી ડાકલાં વગાડીને વિકરાળ દેવદેવીઓને ઉપાસે; કોઈ પથ્થરોને પૂજે. પણ હે કશ્યપના કુમાર ! તમારા વિના અન્ય કોઈ દેવીની મગદૂર નથી કે રાત્રિને ભાંગી શકે.

સૂરજ પ્રત્યક્ષ દેવ હે.
નર વંદે પખાણ,
ઈસર કે ઉમૈયા સૂણો,
એતાં લોક અજાણ.

શંકર કહે છે કે હે ઉમિયાજી ! સાંભળો, સૂરજ સરખા પ્રત્યક્ષ દેવને છોડીને પથ્થરને પૂજનારાં મનુષ્યો તો અજ્ઞાન છે.

[11]