પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રતન ગિયું રોળ !
101
 

એટલું કહેતો જ ચારણ દોટ કાઢીને પૂરમાં પડવા જાય છે ત્યાં તો માણસોએ એને બાવડે ઝાલીને રોકી રાખ્યો. સહુ સમજાવવા લાગ્યાં કે “ગઢવા, હવે તો એ જીવની ગઈ, હવે તું એને ક્યાં આંબતો'તો?”

“જાય નૈ ! ચારણ્યને મેં ભેખડ માથેથી મોળા ગળાથ દીધા’તા અને ડોકું ધુણાવ્યું’તું ! એમ તે કાંઈ મારી ચારણ્ય જાય? મેલે દ્યો મને ! હમણાં આંબી જીસ. મેલો !”

માણસો સમજી ગયાં કે ચારણનું ચિત્ત ફટકી ગયું. કાંઠે એક બાઈ ઊભી હતી. એણે કહ્યું: “અરે! ભાઈ, તું સમ દઈ ગ્યો’તો એટલે જ એ બિચારી નદીના પટમાંથી ખસી નૈ !”

“નો’તી ખસી? સાચેસાચ નો’તી ખસી કે! એક ડગલુંય નો’તી ખસી ને, બો’ન?”

ચારણ એ રીતે લવારીએ ચડવા લાગ્યો. દરબાર પોરસા વાળાએ લોકોને પૂછ્યું: “શું થયું, ભાઈ? આ ગજબ શી રીતે થઈ ગયો?”

“જુઓ બાપુ! આ વટેમાર્ગુ ક્યાંકથી નદીમાં ઊતર્યાં. ચારણ્યને ભેંસ પાસે ઊભી રાખીને ચારણ તમ પાસે આવ્યો. ઠેઠ પાદર સુધી કહેતો ગયો કે “ખસીશ મા! ખસીશ મા! અને પછી હડેડાટ પૂર આવ્યું. રૂપાળી રાતીચોળ ચૂંદડીનો લાંબો ઘૂમટો તાણીને, ઊડ્ય ઊડ્ય થાતી લટે બાઈ તો બાપડી મલકતે મોઢે આ નદી અને આભની શોભા નીરખતી’તી. લીંબુની જેવી મોટી અને કાળી ભમ્મર તો બેય આંખ્યું હતી. અમે તો સહુ જોઈ જ રહ્યાં’તાં. ત્યાં તો પૂર આવ્યું. હડેડાટ ઢૂકડો સંભળાણો, અને ઉપરવાસથી ચહકા કરતાં માણસો દોડ્યાં આવ્યો કે “ભાગો ! પાણી આવ્યું !” અમે સહુ તો દોડીને કાંઠે ચડી ગયાં, પણ બાઈ તો આરસની કંડારેલ પૂતળી હોય એવી એમ ને એમ રહી. અમે રીડ્યું દીધી કે ‘હાલ્ય !’ પણ એ તો જોગમાયા જેવી હસતી જ ઊભી રહી.”

સાંભળીને સહુ શ્વાસ લઈ ગયા. દરબાર પોરસા વાળાએ ઊંડો નિસાસો મેલીને ચારણના ઉજ્જડ મોં સામે મીટ માંડી, પણ નજર ઠેરવી ન શકાણી. ચારણનું મોં તો જાણે પલકવારમાં ધરતીકંપથી દરિયો શોષાઈ ગયો હોય એવું થઈ ગયું હતું.