પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
106
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

દિવસથી પોરસા વાળાની ડેલીએથી ગાન, તાન અને ગુલતાન અટકી પડ્યાં છે. જટાધારી ચારણ ડેલીએ પડ્યો પડ્યો અને નદીના વેકરામાં ચારણીનાં પગલાં પડેલાં તે શોધતો શોધતો રોજ આવા છાતી ફાટ દુહાઓ નવા નવા રચ્યે જાય છે, અને ચોધાર આંસુડે રોતો રોતો દુહા ગાયા કરે છે. દુહા સાંભળી સાંભળીને આખો દાયરો શોકમાં ડૂબી જાય છે, પણ ચારણના ચિત્તભ્રમ ઉપર કોઈ દવા કામ કરતી નથી.

દરબાર પોરસા વાળાને અચાનક એક દિવસ વિચાર આવ્યો. એણે દાયરામાં પૂછપરછ કરી કે “બા, આમાં કોઈ આ ગઢવાનાં સગાંવહાલાંનો જાણકાર છે?”

“હા બાપુ, અમે સહુ ઓળખીએ છીએ.”

“બાઈનાં માવતર કિયે ગામ?”

"આ. પડખેના નેસમાં.”

“એને બીજી એકેય દીકરી છે?

“હા બાપુ, જુવાન દીકરી છે. સારું ઠેકાણું ગોતાય છે.”

“ત્યારે બોલાવો એ બાઈના બાપને.”

ચારણનો સસરો હાજર થયો. દરબારે વાત કાઢી કે “જો ભાઈ, ભાણેજનું ચિત્ત ખસી ગયું તેનું કારણ તારી દીકરી ઉપરની એની પ્રીતિ છે. ગાંડપણ વિજોગનું છે. હવે જો એ વિજોગમાંથી ફરી વાર સંજોગ બને તો એના અંતરમાં પડી ગયેલી ગાંઠ કદાચ છૂટી પડે. મને એક જુક્તિ સૂઝે છે.”

“બોલો, બાપુ ! કહો એમ કરવા તૈયાર છું.”

“તો હવે બરોબર આષાઢ મહિને તારી મારી દીકરીને આંહીં લઈને આવજે.”

“બહુ સારું.”

એમ આસો મહિનો ગયો. કારતક માગશરની ટાઢો ગઈ, ઉનાળો પણ ઊતર્યો, અને જે ઘડીએ ઓતરાદી દિશામાં મેઘરાજાની શેડ્યો ફૂટવા લાગી ને ઉપરવાસ વરસાદ મુશળધારે ત્રાટકવા લાગ્યો, તે ઘડીએ ચારણ પોતાની દીકરીને તેડીને હાજર થયો.