પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



બાળાપણની પ્રીત


વિજાણંદ આડો વીંઝણો, ને શેણી આડી ભીંત,
પડદેથી વાતું કરે, બાળાપણની પ્રીત.

માવતરે નાનપણમાંથી મૂકેલો એક અનાથ છોકરો પરાયો માલ ચારી ચારીને પેટવડિયે ઊછરતો હતો. ગીરના ડુંગરામાં આથડતાં એની અવસ્થા વધતી જતી હતી. પણ એ નમાયા છોકરાને ઘસીચોળીને નવરાવનાર-ધોવરાવનાર કોઈ નહોતું. એના માથામાં જુઓ પડતી અને રઝળુ છોકરો મોટો થાતાં થાતાં એ રીતે પોતાનાં ખરાં રંગરૂપ ખોઈ બેઠો હતો.

કોઈ ભેરુબંધ વિનાના એકલા આથડતા એ છોકરાએ આખરે એક સંગાથી હાથ કરી લીધું: ગીરની વનસ્પતિમાં ભમી ભમીને એક તુંબડાના વેલા પરથી ગોળ મોટાં બે તુંબડાં ઉતાર્યા. પવનની લહેરે લહેરે જેના પોલાણમાંથી દિવસરાત કોઈ ગેબી સૂર વગડ્યા કરતા એવા એક વાંસની પાંચ કાતળીઓનો કટકો કાપી લીધો. વાંસને બેય છેડે તુંબડાં પરોવીને છોકરાએ તે ઉપર તાર અને તાંત્યો બાંધ્યાં. કોઈ ઝાડવાના થડમાંથી ઝરતો રસ લાવીને એ જંતર (વાજિંત્ર) ઉપર ચોપડી દીધો. ઉપર મોરપિચ્છનો ગુચ્છો લગાવ્યો. એવું રૂપાળું બીન બનાવીને જ્યારે પહેલી વાર એ છોકરાએ જંતરના તાર ઉપર પોતાની આંગળીઓ ફેરવી, તે વખતે એ વાંસ અને ટૂંબડાંના પોલાણમાં કોઈ જુગ જુગનું જૂનું સંગાથી બેઠું હોય ને સામા હોંકારો દેતું હોય, એવા સુરો સંભળાયા. થોડા દિવસે તો છોકરાએ જંતરને ખંભે ઉપાડીને ફક્ત હૈયાની જ ઉકલત પ્રમાણે આંગળીઓ ચલાવી; ઝાડવે ઝાડવે, ઝરણે ઝરણે ને ગીરને ગાળે ગાળે ગીતો બેસાડવાનું આદરી દીધું. જંતર ઉપર અજબ ઝડપે એનો હાથ બેસી ગયો. છત્રીસે રાગરાગણીઓ એની સામે હાથ જોડીને ઊભાં રહ્યાં:

109