પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
110
સૌરાષ્ટ્રની સરધાર : 5
 



જંતર મોટે તુંબડે, બત્રીસે ગમે,
છત્રીસ લવણ રમે, વિજાણંદને ટેરવે.

મોટાં તૂંબડાંવાળું એ બીન : એમાં બત્રીસ તો ગમા ગોઠવેલાં : અને એમાંથી છત્રીસ જુદી જુદી રાગણીઓ વિજાણંદનાં ટેરવાંનો સ્પર્શ થતાં કલ્લોલ કરી રમવા લાગે છે.

ગીરથી થોડું ઢૂંકડું ગોરવિયાળી નામે એક ગામ આવેલું છે. કોઈ કોઈ વાર પોતાની ભેંસોને ઘોળીને વિજાણંદ આ ગોરવિયાળી ગામમાં આવતો. પહેલી વાર જ્યારે એ આવ્યો ત્યારે ગામને પાદરે કૂવાકાંઠે જઈને એણે પનિયારીઓને કહ્યું: “પાણી પાશો?”

બેમાંથી એક પનિયારી હજુ કુમારિકા હતી, કુમારિકાએ આ પાણી માગનારા છોકરાની સામે જોયું. જોતાં જ ઘડો સિંચીને કાઢ્યો હતો તે પણ એણે ઢોળી નાખ્યો. જરાક મોં મચકોડ્યું. પોતાની સંગાથણને કહ્યું: “બીન, ઈને પાણી પાજે. મેં તો ઈનો વહરો રૂ૫ ભાળેને ફાટે મરાં, બાઈ!”

એટલું બોલી એ રૂપ-નીતરતી કુમારિકા પોતાના ગોરા અંગ ઉપરની કાળી કામળી મથરાવટીએથી મોખરે તાણી લઈ, માથે બેડું મૂકી, ઉતાવળ ગામ તરફ ચાલતી થઈ. પાછળથી બીજી પનિયારીએ સાદ દીધો, “ભણે શેણીબા ! તોળી ગાગર કાળમખો કાગડો બોટતો સૅ !”

વિજાણંદે તરત એ બાઈને કહ્યું: “અરે બાઈ ! માણસ કરતાં કાગડો તો ચડિયાતા રૂપવાળો ખરો ને ! કાગડો આખું બેડું બોટે છે પણ મને ખોબો પાણી પાતાંયે ઈનો જીવ નો હાલ્યો? હશે !”

તરસ્યો છોકરો પાણી પીને ગામમાં ગયો. ગામમાં વેદો ગોરવિયાળો. નામે મોટો માલધારી પરજિયો ચારણ વસે છે. વેદાને આંગણે ત્રણસો ભેંસો દૂઝે છે. પ્રભુના ચારેય હાથ એ ચારણને માથે છે. એ વેદા ગોરવિયાળાની ડેલીએ જઈને વિજાણંદે પોતાનું જંતર ટીંગાડી વિસામો કર્યો. વેદા ગઢવીએ બાળકને આદરમાન દીધાં. રાતે વાળુ કરતાં કરતાં વિજાણંદે એરંડિયા તેલના દીવાને ઝાંખે ઝાંખે અજવાળે પીરસવા આવનારી કન્યાને ઓળખી : કૂવાને કાંઠે મને કદરૂપો કહીને પાણી પાયા વિના ચાલી નીકળેલી છોકરી તે આ પોતે જ : વેદાની સાત ખોટની એક જ દીકરી : બાપ એને વારે વારે