પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
112
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

ગોરવિયાળી આવ-જા કરવા લાગ્યો : એવી કંઈ કંઈ ભાંગતી રાતોમાં ભીંતની આડશે બેઠેલી કન્યા શેણીના જીવતરની નૌકાના સઢ ચિરાતા ગયા. અને –

ગમે ગમે ગોઠડી, નવ તાંત્યુંમાં નેહ,
હૈયામાં હલકેહ, વિજાણંદનાં તુંબડાં.

એ વાજિંત્રનો પ્રત્યેક ગમો ગાતો ગાતો જાણે કે શેણીની સાથે ગુપ્ત ગોઠડી કરી રહ્યો હતો, નવે તાંતો જાણે શેણીની સાથે જ સ્નેહ બાંધતી હતી. ને બીનનાં સૂંબડાં ઘેરા પડછંદા પાડીને જાણે એકલી શેણીના હૈયામાં જ હલકાં દેતાં હતાં.

જેને કદરૂપો કહીને, અને જેનાં મોંથી બી જઈને કૂવાને કાંઠેથી શેણી ભાગી નીકળી હતી, તેનું ગુપ્ત સ્વરૂપ હવે શેણીએ એના ગુણભર્યા સંગીતમાં નીરખ્યું. નીરખીને ગાંઠ વાળી લીધી કે બીજા બધા તો ભાઈ-બાપ છે. ચારણની દીકરી મોંએ ચડીને કોઈને પોતાના મનની વાત કરી ન શકી. નેસડામાં કોઈ સરખી સહિયર નથી. ઘરમાં કોઈ બહેન-ભોજાઈ નથી. ગામમાં સ્ત્રી-પુરુષો શેણી આઈને જોગમાયાનો અવતાર કરી જાણતાં. શેણી આઈએ અખંડ કુમારિકા રહેવાનો નિરધાર કર્યો છે એમ સહુને ખબર હતી. બાપને તો સ્વપ્નેય ધારણા નહોતી કે આવા કદરૂપા જુવાન ઉપર પોતાની લાડકી દીકરીનું દિલ ચોંટી શકે. ફક્ત એક વિજાણંદે જ શેણીની નીચી ઢળતી આંખોમાં ને થરથર ધ્રુજતા હોઠમાં પ્રીતની છાની વાત વાંચી લીધી હતી.

એવી એક રાતનો ચોથો પહોર ચાલે છે. વિજાણંદની વીણાના સ્વર-છંટકાવમાં આખો દાયરો નીતરી રહ્યો છે. જોરથી શ્વાસ લીધે પણ પાપ બેસે એવી રાગરાગિણીઓની ઊંડી જમાવટ રાતના હૈયા ઉપર થઈ ગઈ છે. ઓરડામાં દીવાની દિવેટે મોગરો ચડી ગયો છે, તેને ખેરવવા ઊઠવાને પણ એ ઓરડાની ઓથમાં બેસી રહેલી કન્યાનું મન નથી કબૂલતું. બગાસું પણ આવ્યા વગર આખી રાત નીકળી જાય છે. પ્રભાતે વેદા ગોરવિયાળાએ દાયરો ભરી, કસુંબો લેવરાવી, વિજાણંદને કહ્યું: “ભાણેજ ! ઘણા દી તેં અમને મોજ કરાવી. આજ તો હવે તારી મોજનો વારો છે. આ