પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળાપણની પ્રીત
113
 

મારા ઘરમાં આટલી ગાયું-ભેસુ છે, રિદ્ધિ-સિદ્ધિ છે, એમાંથી તને મોજ આવે તે ચીજ માગી લે, ભાણેજ !” - વિજાણંદે માથું ધરતી તરફ ઢાળી દીધું. ઓરડામાં શેણીના હૈયે શ્વાસ સમાતા નથી. કાળજું ફડક ફડક થાય છે. કોણ જાણે ચારણ શી ચીજ માગશે !

“કેમ ભા ! કેમ માથું નીચું ઢાળી દીધું?”

“મામા ! શું માગું ? રિદ્ધિસિદ્ધિની અબળખા નથી રહી. ભેંસું પણ હું સાચવી શકું એટલી તો જગદંબાએ દીધી છે. હવે ભાર કોના સારુ વેંઢારું?”

"વિજાણંદ! માગી લે, હું કહું છું. મારી મોજ મારી જાય નહિ. મને અસદ્‌ગતિ મળે. માગી લે ઝટ.”

“પણ હું માગીશ ઈ તમથી નહિ દેવાય, મામા !”

"હું મારી દેહ વેચીને પણ તારો સવાલ પૂરો કરીશ. આંચકો ખા મા. માગી લે, ન આપું તો દેહ પાડી નાખું.”

"મામા ! એક જ માગણી કરું છું. શેણીનો હાથ...”

સાંભળતાં જ વેદા ગઢવીના મુખ પરથી સોળે કળાઓ સંકેલાઈ ગઈ. હથેળીમાં કસુંબાની અંજલિ ભરેલી તે ધરતી પર ઢોળી નાખી. કપાળે પરસેવાનાં બિન્દુ બાઝી ગયાં. કોચવાઈને વેદાએ કહ્યું : “છોકરા, માગવાની રીતે માગવું જોઈએ. તેં આજ મારું મોત બગાડ્યું: વેદાની સાત ખોટની દીકરી તારા જેવા ભટકતા ભિખારીને મળે, જેને નથી માવતર, કે નથી એકેય કુબો?”

“કાંઈ નહિ, મામા, મારી ભૂલ થઈ.”

એટલું જ કહી, જંતર ખભે ઉપાડીને ગરીબડે મોંએ વિજાણંદ ખાધાપીધા વગર ચાલી નીકળ્યો, અને આખા ચારણ દાયરાએ વેદા ગઢવી, ઉપર પીટ પાડવાનું આદર્યું: “વેદા ગઢવી, ભણેં વેણ પાળવો નૂતો તો વેણ દીધો કેવા સાટુ? ચારણ તોરે આંગણે નિસાસો નાખેંને હાલે નીકળ્યો છે ઈ ખબર છે? તોળું ધનોતપનોત નીકળે જીસે.”

વિમાસણ કરીને વેદાએ કહ્યું : “પાછો વાળી લાવો એને.”

પાદરથી વિજાણંદને પાછો વાળી આવ્યા. વેદો ફરી વાર બોલ્યો :