પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
114
સૌરાષ્ટ્રની સરધાર : 5
 


“ભણેં ભરવાડા, મોળી સાત ખોટ્યની શેણી ઈ [એમ] નો મળે; શેણીનું કાંડું જોતું હોય તો જા : નવચંદરિયું ભેંસ્યું એક સો ને માથે એક, ભેળિયું કરી લે આવ્ય; એક વરસની અવધ્ય દેતો સાં. પોર બરાબર આ જ તથ્યે જો નો પોગાય, જો એક દીનું મોડું થાય, તો જાણજે કે આ ભવમાં શેણીનું મોંયે જોવા નૈ મળે. નીકર એક વરસની અવધ્યમાં આવેંને એક સો એક નવચંદરિયું મોળે ખીલે બાંધે જાજે, અને ખુશીથી શેણીને હથેવાળે પરણતો જાજે. છે કબૂલ?”

“કબૂલ છે, મામા !”

એટલું કહીને વિજાણંદ વળી નીકળ્યો. પોતાની પાંચ ભેંસો હતી તેને બચ્ચીઓ ભરી ભરીને કોઈક ઓળખીતા નેસમાં મોકલી દીધી. પાંચેયની સામે હાથ જોડીને બોલ્યો : “મારી માતાજિયું ! ડુંગરામાં નિરાંતે ચરજો. હું હમણાં આવું છું. વરસને વીતતાં વાર નહિ લાગે, અને પછી તમારાં ખાણ, નીરનારી, ગોરસડાં મેળવનારી, પાડરું પાળનારી ને વલોણાં ગજવનારી શેણી આપણે ઘેર આવશે. રૂડા ઘર બાંધીને નદી કાંઠે ક્યાંક રે’શું. કોચવાશો. મા, હો !”

આ ભેંસોની આંખોમાંથી મોટે ટીપે આંસુડાં ચાલ્યાં જાય છે. વિજાણંદની પણ છાતી ભરાઈ આવી. પણ એ તો હિંમતભેર ચાલી નીકળ્યો. એને તો ખાતરી હતી કે “મારું જંતર જે નેસડામાં જઈને વગાડીશ. ત્યાંથી પાંચ પાંચ નવચંદરી ભેંસો શું મને નહિ મળે? એવા વીસ નેસડાં તો પાંચ મહિનામાં ફરી વળીશ.”

વિજાણંદ હાલી નીકળ્યો, પોઠીડા પલાણે,
ડાબો થાને ગણેશ, (તો) વિજાણંદ પાછો વળે.

પોઠિયા પર સવાર થઈને વિજાણંદ ચાલી નીકળ્યો. ઝૂરતી શેણી જંગલના તેતરને વીનવે છે કે હે ગણેશ પંખી, તું મારા પિયુની આડો ડાબી બાજુએ ઊતરજે કે જેથી અપશુકન સમજીને એ પાછો વળે. ફરી વાર શેણીએ પોકાર કર્યો: