પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
118
સૌરાષ્ટ્રની સરધાર : 5
 



વિજાણંદની વરમાળ, બીજાની બાંધું નહિ,
ચારણ હોય લખ ચાર, (એને) બાંધવ કહી બોલાવીએ.

તે દિવસે બાપને જાણ થઈ કે દીકરી તો વિજાણંદના નામની જ માળા ફેરવે છે ! બાપુએ બહુ સમજાવી. છેલ્લે જવાબ વાળી દીધો : “હવે તો, બાપુ, એ” આવે કે ન આવે. હવે અવધ પૂરી થઈ. ને હવે તો મળશું હેમાળાના ખોળામાં, નીકર આવતે અવતાર. હવે મારો મારગ રોકશો મા.”

ગામનાં માણસો હજાર-હજાર વાતો કરીને મનાવવા લાગ્યાં કે “બીન ! રોકાઈ જા, હજી એ આવશે.”

“આવી રહ્યો, બાપ ! હવે આવીને શું મોં દેખાડે ?”

કોઈ બોલ્યું: “અરે ગીગી, વાવડ કઢાવીએ.”

સાંભળી સાંભળીને શેણીએ કહ્યું :

મત્યું શું દિયો માનવી, જણ જણની જૂજવી,
ડાહ્યપ એવડી હતી, (તો) વિજાણંદ કાં વાળ્યો નહિ ?

[અરેરે માનવીઓ, હવે આવી રીતે મને દરેક જણ જુદી જુદી શિખામણો શું મોં લઈને આપો છો ? એટલું બધું ડહાપણ હતું ત્યારે વિજાણંદને તે દિવસે પાછો કાં ન વાળ્યો ?]

“અરે બાઈ ! વિજાણંદ જેવા મેલાઘેલા પર તું શું મોહી છે ? બીજા ક્યાં નથી ?”

“ભલે રહ્યા. –

ધોબી લૂગડ ધોય, રૂપાળાસે રાચું નહિ,
મર મેલડીઓ હોય, (તોય) વર વહાલો વિજાણંદો !

[ધોબીના ધોયેલ સફેદ કપડાં પહેરનાર રૂપાળા કોઈ પુરુષ ઉપર હું નથી મોહતી છતાં એ વિજાણંદ જ મને વહાલો છે અને વળી – ]

છાણાંનાં ચાટેલ, ખોરાં ઘી ખવાય નૈ,
મેયુંના મથેલ, વાલાં ઘી વિજાણંદનાં.

[હે મારાં સલાહકાર માનવીઓ, બકરાંનાં ચાટેલાં એવાં બગડેલ ઘી મારાથી નહિ ખાઈ શકાય. મને તો વહાલાં છે વિજાણંદે ભેંસોનાં મહીમંથન કરીને ઉતારેલ શુદ્ધ ઘી. (વ્યંગ્યાર્થ એ છે કે અન્ય ચારણોનો મલિન સ્નેહ મારે ન જોઈએ.)]