પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળાપણની પ્રીત
119
 

 ડમણીમાં બેસીને અઢાર વરસની શેણી ચાલી નીકળી. માર્ગે અલકમલકની સીમો વીંધતી જાય છે અને વિયોગે વલવલતી જાય છે :

મારગકાંઠે મઢી કરું, લઉં જોગણના વેશ,
ગોતું દેશવિદેશ, (કોઈ) વાવડ દ્યો વિજાણંદના.

[રસ્તાને કાંઠે હું મઢુલી બાંધીને જોગણનો વેશ લઈ બેસીશ. દેશોદેશ હું વિજાણંદની શોધ કરીશ. અરે, મને વિજાણંદનો પત્તો આપો !]

માર્ગે ભાલ પ્રદેશ આવ્યો. ગામડાની બજારે નીસરીને શેણી સાદ પાડતી જાય છે કે ઓ ભાઈઓ !

(કોઈ) જંતરવાળો જુવાન, ભાલમાં ભૂલો પડ્યો,
(હું) સગડે પાંડું સાદ, (મને) વાવડ દ્યો વિજાણંદના.

“હા, હા, બાઈ, થોડા દી પહેલા જ એવો એક જુવાન આંહીં નીકળેલો; નવચંદરી ભેંસોના વાવડ પૂછતો હતો.” એમ માણસો પત્તો દેવા લાગ્યા.

“દેખાવ કેવો હતો ?”

જવાબ મળે છે –

લાલ સુરંગી ધોતિયે, કેસરભીને વાન,
હાલ્યો જાતો હાટડે, જંતરવાળો જુવાન.

[માથા પર લાલ ફેંટો હતો. સહેજ શ્યામ રંગ હતો. હજી હમણાં જ ઓલી બજારમાં હાલ્યો જાતો હતો.]

“કઈ દૃશ્યે ઊતર્યો ?”

“નવચંદરીની ભાળ લેતો આમ ઉપલા મલકમાં ચાલ્યો ગયો લાગે છે, બાઈ !”

સાંભળીને ત્યાંથી શેણી પગપાળી દોડવા લાગે છે. ઓ જાય ! ઓ ચાલ્યો જાય ! એમ માણસો એંધાણી દેતાં જાય તેમ તેમ તો જલદી એને ઝાલી લેવા માટે વેગથી આગળ વધવા દોડે છે, પણ એનાથી કેટલુંક દોડાય ? વટેમાર્ગુના દેખતાં શી રીતે દોડાય ?

ચાલું તો ચૂંકું નીકળે, ધોડ્યે લાજી મરું,
વિજાણંદ વાગડ ઊતર્યો, ઊભી પોત્યું કરું.