પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળાપણની પ્રીત
121
 

બાળકુંવારી કહેવાય. એકલું આંહીં કોઈ ઓગળી શકે નહિ, અને તારા અંતરમાં બીજું માનવી બેઠું છે ! જા બાપ પરણીને પછી બેલડીએ ગળવા આવજે.”

“હવે તો પાછી ફરી રહી ! પાછી જઈને ક્યાં ગોતું ? પંથભૂલ્યો એ જંતરવાળો હવે મને ક્યાં ભેટે? હે બાપ ! રામચંદ્રજીએ જાનકીની પૂતળી કરીને જગન-ટાણે પડખે બેસાડેલી : તો હુંય મારા સંકલ્પના સ્વામીનું પૂતળું કરીને આંહીં જ પરણી લઉં છું.”

હેમાળે શેણીનાં હાડ, ગળિયાં નવ ગાળ્યે,
(પછી) કાસનાં પૂતળ કરે, પરાણે પરણી ઊતર્યાં.

‘કાસ’ અર્થાત્ દર્ભનું પૂતળું કરીને શેણીએ એમાં વહાલા વિજાણંદનો સંકલ્પ મૂક્યો. પૂતળાને પોતાની ગોદમાં બેસાડીને અગ્નિના કુંડ સરીખા એ શિખરને ચાર આંટા દીધા અને પછી પૂતળાને ખોળામાં લઈ શેણી બરફમાં બેસી ગઈ. આગ લાગી હોય તેવી રીતે અંગ ઓગળવા લાગ્યું. પગમાંથી લોહી શોષાય છે. ઘડી પહેલાં જે પગમાંથી કંકુવરણી કાંતિ ફૂટતી. હતી, તે પગ શ્યામ પડી ગયા, પગમાંથી પ્રાણ જાતા રહ્યા. જોતજોતામાં તો ગોઠણ સુધીનાં હાડકો પણ ગળીને પાણી થઈ ગયાં. ત્યાં તો ડુંગરનાં છેટાં છેટાં શિખરોમાંથી ‘શેણી ! શેણી ! શેણી !’ એવા શબ્દો સંભળાણા.

“અરે, આ મારા નામના સાદ કોણ દ્યે છે ?”

‘ફટ રે ફટ જીવ ! હજુયે એના ભણકારા ! હે અભાગિયા જીવ ! હવે ચીંથરાં ન ફાડ.’

ત્યાં તો ફરી વાર ‘શેણી ! શેણી ! શેણી !’ એવા સાદ ઢૂકડા સંભળાણા.

“શેણી ! શેણી ! શેણી !” – સાદ ઢૂકડા ને ઢૂકડા આવવા લાગ્યા અને સામે ડુંગરા પડઘા દેવા લાગી પડ્યા : ‘શેણી ! શેણી ! શેણી !’

કામળી સંકોડીને શેણીએ બરફની ભેખડોમાંથી સામે જવાબ વાળ્યો : “હાલ્યો આવ ! હાલ્યો આવ ! હાલ્યો આવ !”

અવાજને એંધાણે એંધાણે એક આદમી દોડ્યો આવે છે. પથરામાં ઠોકરો ખાતો, પડતો, લોહીલુહાણ થતો, ને છતાં પણ પાછો ઊઠીને કાયા